મહેસાણા, 10 ઓક્ટોબર (હિ.સ.)
મહેસાણાથી અમદાવાદ તરફ જતાં ડાયવર્ઝન રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી માર્ગની સ્થિતિ ખરાબ બની રહી છે. અહીં રોડનો એક ભાગ બેસી જતાં મોટો ખાડો પડી ગયો હતો, જેનું સોમવારે સવારે તાત્કાલિક મરામત કામ કરવામાં આવ્યું હતું. જોકે, સતત ભારે વાહનોના ધસારાને કારણે મરામત કરાયેલો ભાગ ફરીથી ઉખડી જતાં રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે.
તે જ રીતે, અમદાવાદથી મહેસાણા તરફ આવતાં ડાયવર્ઝન રોડ પર પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ છે. પાંચ દિવસ પહેલાં અહીં ભારે વાહનોના કારણે એક કુંડી તૂટી ગઈ હતી. તેનું પણ તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ વાહન ધસારાના કારણે કુંડીનો ઉપરનો ભાગ ફરી તૂટી જતાં રસ્તો જોખમજનક બની ગયો છે.
બંને દિશાના રોડની ખરાબ હાલતને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખાડા અને ઉબડખાબડ રસ્તાને કારણે અકસ્માતની શક્યતા વધી રહી છે. સ્થાનિકોએ સંબંધિત વિભાગને રોડની દુરસ્તી માટે કાયમી સમાધાન લાવવા માંગ કરી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR
