ભાવનગર 28 નવેમ્બર (હિ.સ.) બાળકોના આરોગ્ય સંરક્ષણ તથા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા તા. 26 નવેમ્બર 2025 અને 28 નવેમ્બર 2025એ ક્રમશઃ કિડ્સ હટ અને બાલ મંદિર સ્કૂલ ખાતે સ્વાસ્થ્ય તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સમગ્ર આરોગ્યનું મૂલ્યાંકન કરવો તેમજ પ્રારંભિક તબક્કે રોગની ઓળખ કરી યોગ્ય સારવાર માટે માર્ગદર્શન આપવું હતો.
પ્રથમ સ્વાસ્થ્ય શિબિર 26 નવેમ્બર 2025એ કિડ્સ હટ સ્કૂલ ખાતે યોજાઈ, જેમાં કુલ 170 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી. જેમાંથી 20 બાળકોમાં દાંતમાં કૅવિટી, 01માં તાવ તથા 01માં ખાંસીની ફરિયાદ નોંધાઈ.
બીજુ સ્વાસ્થ્ય શિબિર 28 નવેમ્બર 2025એ બાલ મંદિર સ્કૂલ ખાતે યોજાઈ, જેમાં કુલ 92 બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી. જેમાંથી 15 બાળકોમાં દાંતની કૅવિટી, 02માં કાનની સમસ્યા, 01માં આંખોની તકલીફ, 01માં ત્વચાનો ઈન્ફેક્શન અને 01માં ગળાનો ઈન્ફેક્શન જોવા મળ્યો.
બંને શિબિરો દરમિયાન બાળકો તથા શિક્ષકોને જોવા મળેલા સ્વાસ્થ્ય લક્ષણો અંગે જાગૃતિ આપવામાં આવી અને વધુ વિગતવાર તપાસ તથા સારવાર માટે વિદ્યાર્થીઓને ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, ભાવનગર પરા (DRH BVP) ખાતે પરામર્શ લેવા સૂચન કરવામાં આવ્યું. આ આરોગ્ય શિબિરમાં ડૉ. સંદીપ – DMO, BVP તથા બાળરોગ નિષ્ણાત ડૉ. નિમેષ અને તેમની તબીબી ટીમ દ્વારા સેવા આપવામાં આવી.
આ શિબિરના સફળ આયોજનમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળની અધ્યક્ષ – શાલિની વર્મા, સેક્રેટરી માયા ત્રિપાઠી, સાંસ્કૃતિક ઇન્ચાર્જ – વાણી મેડમ, ટ્રેઝરર – વંદના પાટીદાર, કિડ્સ હટ સ્કૂલની પ્રિન્સિપાલ ભાવિકા શુક્લ, બાલ મંદિર સ્કૂલની પ્રિન્સિપાલ રૂપલ ચૂડાસમા, શ્રી બ્રિજેશ પટેલ (વેલફેર ઇન્સ્પેક્ટર – ભાવનગર મંડળ) તેમજ સમિતિના સભ્યોનું વિશેષ સહકાર રહ્યું.
આ શિબિરોના સફળ આયોજનથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિમાં વધારો થયો અને પ્રારંભિક તબક્કે ઓળખાયેલી આરોગ્ય સમસ્યાઓના ઝડપી ઉપચાર માટે માર્ગ મોકળો બન્યો. પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનએ ભવિષ્યમાં પણ આવા કલ્યાણકારી અને આરોગ્યવર્ધક કાર્યક્રમો સતત આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
