
ભુજ, 7 જુલાઈ (હિ.સ.) : કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે પૂર્વ અને પશ્ચિમ હોય કે ઉત્તર દક્ષિણ કચ્છના વિવિધ ભાગોમાં ઝાપટાથી ધોધમાર વરસાદ રવિવારના દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહ્યો હતો. સોમવાર સવાર સુધી વરસાદ અવિરત રહેવાના લીધે કિસાનોમાં આનંદ ફેલાયો હતો પરંતુ ભુજ તાલુકાના માનકૂવા જેવા ગ્રામીણ ભાગોના ખેતરોમાં પાણી ભરાયા હતા. તો ક્યાંક માળખાકિય નુકસાન પણ થયું છે. આ વરસાદથી ભુજમાં નવા નીરે બે યુવાનનો ભોગ પણ લીધો છે. દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં 23 મિલીમીટર સરેરાશ પાણી વરસ્યું હોવાનું નોંધાયું હતું.
કચ્છમાં ગુજરાતની જેમ જ એક સપ્તાહ વહેલા આવેલા મનાતા ચોમાસાએ કચ્છ જિલ્લાને ચોમાસાની શરૂઆતમાં જ ન્યાલ કરી દીધો છે. ખાસ કરીને જળસંગ્રહના જુલાઇના આરંભે જ ઓવરફ્લો થઇ ગયા છે. પરિણામે કિસાનોને અને ગ્રામીણ વિસ્તારમાં પાણીની તંગી ઉભી ન થાય તેમ મનાઇ રહ્યું છે.
ખાસ કરીને રવિવારે સાંજ પછી વર્લ્ડ હેરિટેજ સાઇટના ગામ એવા ભચાઉ તાલુકાના ધોળાવીરામાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. મોડી સાંજ સુધી 6 ઇંચ પાણી વરસી ગયું હતું. ધોળાવીરાના આગેવાન જીલુભા સોઢાના કહેવા મુજબ બપોર સુધી ભારે વરસાદના લીધે ગામના મોટાભાગના રિસોર્ટ અને ખાવડા તરફના રોડ ટુ હેવન વિસ્તાર પાણીથી તરબતર થયા હતા. દિવસ દરમિયાન ધીમી અને ભારે ધારે થયેલા વરસાદના લીધે આગામી સમયમાં ખેતપાકોને ફાયદો થઇ શકે એમ છે. રાપર અને ભચાઉના નદી નાળામાં પાણી વહી નીકળ્યા હતા.
ભુજના નાગોર રેલવે બ્રિજ પાસે પાણીમાં ડુબવાથી 2 કન્યાના મૃત્યુ થયા હોવાની ઘટના પણ બની છે. વરસાદી નવા નીર ભરેલા ખાડામાં બે કન્યાઓ શા માટે ગઇ હતી તે હજુ તપાસનો વિષય છે. પરંતુ નવા નીરે ભોગ લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં એક 16 વર્ષીય કિશોરી અને 18 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે. આ છોકરીઓને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ફરજપરના તબીબે મૃત જાહેર કરી હતી.
સવારે સૌથી વધુ ભચાઉ તાલુકામાં બે ઇંચ
સમગ્ર કચ્છ જિલ્લામાં રવિવાર સવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે બપોર સુધી ચાલુ રહ્યો હતો. જિલ્લામાં 10 તાલુકામાં સરેરાશ 14 ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. ખાસ કરીને ભુજ શહેર અને તાલુકામાં વરસાદનું જોર વધારે રહ્યું હતું. જોકે આંકડાની દ્રષ્ટિએ ભચાઉ તાલુકામાં સોમવારે સવારે 6થી 8માં બે ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે દરિયાઇ બંદર માંડવી અને તેના ગામોમાં 37 મી.મી એટલે કે સવા ઇંચ વરસાદ બે કલાકમાં નોંધાયો હતો.
એકધારા વરસાદના લીધે શેરીઓમા નદી વહેતી હોય તેવા દ્રશ્યો
ભુજ તાલુકાના પટેલ ચોવીસીના માનકૂવા, નારાણપર, ભારાપર સહિતના વિસ્તરોમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. જ્યારે નખત્રાણા તાલુકામાં પણ મેઘમલ્હાર છેડાયો હતો. નખત્રાણા ઉપરાંત સુખપર રોહા વિસ્તાર તથા અબડાસાના ભાગોને જોડતા વિસ્તરોમાં ધોધમાર પાણી વરસી ચૂક્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં એકધારા વરસાદના લીધે શેરીઓમા નદી વહેતી હોય તેવા દ્રશ્યો ઉભા થયા હતા.
ગાંધીધામમાં બે ઇંચ, અંજારમાં છૂટોછવાયો વરસાદ
સવારે 8થી 10 દરમિયાન પૂર્વ કચ્છના ગાંધીધામમાં 40 મિલીમીટર પાણી અને અંજારમાં 14 મિ.મિ. પાણી વરસ્યું હતું. આ બંને શહેરોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA
