ભાવનગર , 18 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં આવેલા ઘાંઘળી રોડ પર મગલાણા સહીત પાંચ ગામને જોડતો કોઝવે ફરીવાર તૂટી જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ગઈકાલે ભારે વરસાદ બાદ આવેલા ઘોડાપુરથી નાળાનું ધોવાણ થયું અને કોઝવે તૂટી પડ્યો.
રહીશોના આક્ષેપ મુજબ, તંત્ર દ્વારા અગાઉ પણ નાળાનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે વરસાદી પરિસ્થિતિ ઊભી થતાં ફરીવાર આ હાલત સર્જાઈ છે. કોઝવે તૂટી જતાં મગલાણા, નવાગામ, પાલડી, ઉખરલા સહિત પાંચ ગામનો સંપર્ક તૂટી ગયો છે. લોકોને દૈનિક અવરજવર, વિદ્યાર્થીઓના ભણતર અને ખેતી-પાકના કામકાજમાં ભારે હાલાકી સર્જાઈ છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, વારંવાર આવતી આ મુશ્કેલી સામે તંત્ર જો કાયમી સમાધાન લાવે તો જ ગામલોકોને રાહત મળશે. હાલ તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ સુધીર્માનાં નિરાકરણની માંગણી વધુ ઉગ્ર બની રહી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai
