ગીર સોમનાથ 21 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે આવતા અરજદારો અને આસપાસના ગ્રામજનોને ફરવાલાયક અને વિસામાના મનોરમ્ય સ્થળ તરીકે જિલ્લા સેવા સદન ખાતે નવનિર્મિત ગાર્ડનનો ઉમેરો થયો છે.
જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે ગાર્ડનના સેન્ટ્રલ પ્લાઝા પર ગીરની શાન સમાન એશિયાટિક સિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સિંહના આર્ટિસ્ટિક સ્કલ્પચર થકી આ ગાર્ડનના સૌંદર્યમાં અભિવૃદ્ધિ થઈ છે.
પ્રતિમા અનાવરણના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ અન્ય જનપ્રતિનિધિઓ સહિત અધિકારીઓ-કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, અંદાજિત રૂ.૭૬ લાખના ખર્ચે સુવિધાસભર ગાર્ડનમાં આર.સી.સી.રોડ, એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટની સુવિધા, એમ્ફીથિએટર, મિયાવાકી ફોરેસ્ટ, ગઝિબો ઉપરાંત હાઈ મસ્ટ ટાવર પણ મૂકાયો છે. આ ગાર્ડનમાં સપ્તર્ણી, લીમડો, કૉપર પૉડ, પામ ટ્રી, ગુલમહોર, કેસુડો સહિત અનેકવિધ જાતના વૃક્ષો વાવવાની સાથે વોકિંગ માટે પાથ-વેનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
