મોડાસા,08 નવેમ્બર (હિ.સ.) અરવલ્લી જિલ્લાની સરકારી કચેરીઓમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારોને ખાનગી એજન્સી દ્વારા શોષણ કરાતું હોવાનું અને દિવાળીના તહેવાર ટાણે સફાઈ કામદારોને બોનસ મળે તે માટે વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતની આગેવાનીમાં સફાઈ કામદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને સફાઈ કામદારો માટે ગતિ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
વાલ્મિકી સંગઠનના લાલજી ભગતે જણાવ્યું કે ખાનગી એજન્સી દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ કરીને સફાઈ કામદારોને આઠ કલાકના બદલે ચાર કલાક કામ કરાવી તેમનું શોષણ કરતું હોવાનો બળાપો ઠાલવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દિવાળીના સમયે દરેક કર્મીઓને બોનસ આપવામાં આવે છે જોકે સરકારનો એક ચારનો પરિપત્ર હોવા છતાં સફાઈ કામદારોને બોનસ આપવામાં આવતું ન હોવાનું અને તેમને લઘુત્તમ વેતન મળતું ન હોવાનું તેમજ ઈપીએફ પણ મળતું ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે શ્રમ અધિકારીને પણ રજૂઆત કરાઇ હતી સફાઈ કામદારોને બોનસ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં માલપુર થી મોડાસા કલેક્ટર કચેરી સુધી સફાઈ કામદારો દંડવત યાત્રા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ
