નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે મહાદેવ બુક અને રેડ્ડીઅન્નાપ્રેસ્ટોપ્રો સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની વિનંતી પર આ આદેશ જારી કર્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ગઈકાલે મોડી રાત્રે મહાદેવ બુક અને રેડ્ડીઅન્નાપ્રેસ્ટોપ્રો સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીના પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી એ, છત્તીસગઢમાં મહાદેવ બુક પર દરોડા પાડીને તપાસ કર્યા બાદ, કેન્દ્ર સરકારને તેની ભલામણ કરી હતી.
કેન્દ્રીય માહિતી અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છત્તીસગઢ સરકારે આમ કરવાનો અધિકાર હોવા છતાં આ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી નથી. ચંદ્રશેખરે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મહાદેવ બુક અને રેડ્ડીઅન્નાપ્રેસ્ટોપ્રો સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટ પર પ્રતિબંધ મૂકવાના આદેશો જારી કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, મહાદેવ એપ કેસમાં ઈડી એ છત્તીસગઢમાંથી લગભગ 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. ગયા અઠવાડિયે જારી કરાયેલા એક નિવેદનમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે, મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. આ કેસમાં ઈડી એ મની લોન્ડરિંગના આરોપમાં છત્તીસગઢ પોલીસ કોન્સ્ટેબલ ભીમ સિંહ યાદવ અને અસીમ દાસની ધરપકડ કરી છે. અગાઉ સપ્ટેમ્બરમાં ઈડી એ મહાદેવ એપ સાથે સંબંધિત 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / માધવી
