દેહરાદૂન, નવી દિલ્હી, 28 જાન્યુઆરી :- અન્ય રાજ્યોની સરખામણીમાં ઉત્તરાખંડ ઘણી બાબતોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે. આનો પુરાવો વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ અને મદરસા બોર્ડના અધ્યક્ષ મુફ્તી શમૂન કાસમીએ આપેલા અલગ-અલગ નિવેદનો છે. મુસ્લિમ સંપ્રદાયના આ બંને ધર્મગુરુઓ માને છે કે, આપણા પૂર્વજો અને વારસાને ભાવિ પેઢીઓને જણાવવા, એ આપણી નૈતિક જવાબદારી છે. હવે મદરેસાના બાળકોને ભગવાન શ્રી રામ અને પૂર્વજો વિશે પણ માહિતી આપવામાં આવશે.
જ્યાં મુફ્તી શમૂન કાસમી કહે છે કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશનમાં ઉત્તરાખંડ મદરેસા શિક્ષણ બોર્ડ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ ના દ્રષ્ટિકોણ પર કામ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે, મદરેસાઓમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીઓને એનસીઈઆરટી અભ્યાસક્રમના આધારે આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ પણ કહે છે કે, હવે તમામ શાળાઓ વક્ફ બોર્ડ હેઠળ ચાલે છે. મદરેસાઓમાં શ્રી રામ કથા શીખવવામાં આવશે.
રવિવારે અલગ-અલગ વાતચીતમાં બંને નેતાઓએ પોતપોતાના મંતવ્યો સ્પષ્ટ કર્યા હતા. તેમણે કહ્યું કે, વર્તમાન સંદર્ભમાં મુસ્લિમ સમાજના બાળકોને એનસીઈઆરટી ના અભ્યાસક્રમ સાથે શ્રી રામ કથાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, જેથી કરીને મુસ્લિમ બાળકો શ્રી રામના બલિદાન અને તપસ્યા વિશે સંપૂર્ણ રીતે જાણી શકે. શમ્સનું કહેવું છે કે, અયોધ્યામાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ, વક્ફ બોર્ડ હેઠળની 117 મદરેસામાં શ્રી રામ કથાનો અભ્યાસક્રમ પણ સામેલ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં મદરેસા સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
મુફ્તી શમૂન કાસમી અને શાદાબ શમ્સ બંને માને છે કે, આ તમામ મદરેસાઓમાં આ અભ્યાસક્રમનો સમાવેશ કરીને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શમ્સના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 415 મદરેસા ચાલી રહી છે, જેમાંથી 117 ઉત્તરાખંડ વક્ફ બોર્ડના સંચાલન હેઠળ છે. અમે ચાર મદરેસાઓને આધુનિક મદરેસામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. આમાં દેહરાદૂન, ઉધમ સિંહ નગર, હરિદ્વાર અને નૈનીતાલના મદરેસાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્તમાન સત્રથી એનસીઈઆરટી પુસ્તકો શરૂ કરવામાં આવ્યા છે અને અભ્યાસક્રમમાં સંસ્કૃત વિષયને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
હવે મદરેસા બોર્ડના બાળકો પણ શ્રી રામ કથાથી વાકેફ થશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ભારતના મુસ્લિમોએ સાંપ્રદાયિક ધર્માંતરણ દ્વારા મુસ્લિમ સંપ્રદાયને અપનાવ્યો છે. તેમને તેમના પૂર્વજો વિશે માહિતી આપવી, એ સમયની જરૂરિયાત છે, કે જેથી તમામ સંપ્રદાયોના બાળકો મદરેસામાં જઈ શકે અને અભ્યાસ કરી શકે. તેમણે કહ્યું કે, આમ કરવાથી સામાજિક સમરસતાને પણ પ્રોત્સાહન મળશે.
તેમણે કહ્યું કે, સારા શિક્ષણ માટે આપણે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં લેપટોપ રાખવાનું કામ કરવું જોઈએ. સરકાર આ માટે મક્કમ છે. બંને નેતાઓનું માનવું છે કે, મુસ્લિમ સંપ્રદાયોના બાળકોમાં એકલતાની લાગણી ન થાય તે માટે, મદરેસાઓને મુખ્ય પ્રવાહમાં જોડવી જરૂરી છે. શમ્સનું માનવું છે કે, આ માટે આપણે ઈન્ડોનેશિયાનું ઉદાહરણ લઈ શકીએ છીએ, જ્યાં ધર્મ પરિવર્તન પછી પણ લોકો શ્રી રામને આદર્શ માનીને પૂજા કરે છે અને તેમને સતત પોતાનાથી અલગ કરતા નથી.
શ્રી રામે પિતાનું વચન પાળવાનો આદર્શ સ્થાપ્યો. લક્ષ્મણે ભાઈચારાનો સંદેશ આપ્યો. સીતાએ પવિત્રતા દ્વારા માતૃશક્તિનો ઉપદેશ આપ્યો. આ તમામ જીવંત પાત્રો હંમેશા આપણા માટે માર્ગદર્શન તરીકે કામ કરશે. બંને નેતાઓ શાદાબ અને મુફ્તી શમૂન કહે છે કે, આપણી જૂની પરંપરા અને વારસો આપણા માટે, અમારા મુસ્લિમ સંપ્રદાયની જેમ મહત્વપૂર્ણ છે.
