નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી : ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે લોકસભામાં કહ્યું કે રામ મંદિર વિશ્વનું એકમાત્ર આંદોલન છે જ્યાં બહુમતીએ ધીરજ રાખી અને બંધારણીય જોગવાઈઓ હેઠળ તેમનો સંઘર્ષ પૂર્ણ કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે સંઘર્ષ ચાલુ હતો ત્યારે દેશમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા અને જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે જય સિયારામના નારા લાગ્યા હતા. રામ મંદિર માટે, ભક્તિ અને સંઘર્ષથી ચાલેલી આ યાત્રા દેશને આગળ લઈ જવાની છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, મોદી સરકારે રામ મંદિરનું નિર્માણ યોગ્ય રીતે પૂર્ણ કરીને પોતાનું વચન પૂરું કર્યું છે. મોદી સરકાર, જે કહે છે તે કરે છે. 22 જાન્યુઆરી કરોડો ભક્તો માટે આશા, આકાંક્ષા અને સિદ્ધિનો દિવસ બની ગયો.
શનિવારે લોકસભામાં રામ મંદિર નિર્માણ પર ચર્ચા દરમિયાન શાહે કહ્યું હતું કે, રામ મંદિર આંદોલનથી અજાણ્યા બનીને કોઈ આ દેશનો ઈતિહાસ વાંચી શકે નહીં. વર્ષ 1528 થી, દરેક પેઢીએ આ ચળવળને કોઈને કોઈ સ્વરૂપમાં જોઈ છે. આ મામલો લાંબા સમય સુધી અટવાયેલો રહ્યો. પરંતુ આ સપનું વડાપ્રધાન મોદીના સમયમાં પૂરું થવાનું હતું અને આજે દેશ તેને પૂરો થતો જોઈ રહ્યો છે.
શાહે કહ્યું કે, 1990માં આંદોલને વેગ પકડ્યો તે પહેલા જ ભાજપનું દેશની જનતાને આ વચન હતું. અમે પાલમપુર કારોબારીમાં એવો ઠરાવ પસાર કર્યો હતો કે, રામ મંદિરના નિર્માણને ધર્મ સાથે ન જોડવું જોઈએ, આ દેશની ચેતનાના પુનર્જાગરણ માટેનું આંદોલન છે. તેથી અમે રામજન્મભૂમિને કાયદાકીય રીતે મુક્ત કરાવીશું અને ત્યાં રામ મંદિરની સ્થાપના કરીશું. ઘણા રાજાઓ, સંતો, નિહંગો, વિવિધ સંસ્થાઓ અને કાયદા નિષ્ણાતોએ આ લડતમાં યોગદાન આપ્યું છે. શાહે કહ્યું કે, આજે તેઓ 1528 થી 22 જાન્યુઆરી, 2024 સુધી આ યુદ્ધમાં ભાગ લેનારા તમામ યોદ્ધાઓને નમ્રતાપૂર્વક યાદ કરીને નમન કરે છે.
શાહે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ અને રામાયણને અલગ-અલગ જોઈ શકાય નહીં. ઘણી ભાષાઓમાં, ઘણા પ્રદેશોમાં અને ઘણા ધર્મોમાં રામાયણના ઉલ્લેખ એ, રામાયણનો અનુવાદ અને રામાયણની પરંપરાઓનો આધાર બનાવવાનું કાર્ય કર્યું છે. જેઓ રામ વિના ભારતની કલ્પના કરે છે, તેઓ ભારતને જાણતા નથી. રામ એ કરોડો લોકો માટે આદર્શ જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનું પ્રતીક છે, તેથી જ તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. રામ અને રામચરિતમાનસ વિના આ દેશની કલ્પના કરી શકાતી નથી. રામનું ચરિત્ર અને રામ આ દેશના લોકોનો આત્મા છે.
