નવી દિલ્હી, 09 ડિસેમ્બર (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા અર્ધ વર્ષમાં ભારતનો 7.7 ટકા જીડીપી વૃદ્ધિ દર, છેલ્લા 10 વર્ષના પરિવર્તનકારી સુધારાનું પરિણામ છે. ભારત ઊંડા લોકશાહી મૂલ્યો અને વેપાર અને વાણિજ્યની ઐતિહાસિક પરંપરા ધરાવતો દેશ છે. ભારતમાં દરેક રોકાણકાર અથવા કંપની માટે તકોની સૌથી વધુ વૈવિધ્યસભર શ્રેણી છે. પ્રધાનમંત્રીએ આજે (શનિવારે) ફિનટેક સાથે સંબંધિત વૈશ્વિક વિચાર નેતૃત્વ પ્લેટફોર્મ ઈન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ વાત કહી.
વડા પ્રધાને કહ્યું કે, ઑસ્ટ્રેલિયન વડા પ્રધાને આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, ભારત વૈશ્વિક દક્ષિણનું નેતૃત્વ કરવા માટે મજબૂત સ્થિતિમાં છે. થોડાં અઠવાડિયાં પહેલાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કહ્યું હતું કે, ભારતમાં રેડ ટેપમાં ઘટાડો થયો છે અને રોકાણ માટે સારું વાતાવરણ છે. વડા પ્રધાને કહ્યું, “આજે ભારતની વિકાસ ગાથાએ વિશ્વને બતાવ્યું છે કે, જ્યારે નીતિને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે સુશાસન માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે, જ્યારે દેશ અને તેના લોકોનું હિત આર્થિક નીતિઓનો આધાર હોય છે, ત્યારે શું પરિણામો આવે છે. ભારતીય અર્થવ્યવસ્થા આ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં જ 7.7 ટકાના દરે વૃદ્ધિ પામી છે.
તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે અને આવું બન્યું નથી. આ ભારતની મજબૂત થતી અર્થવ્યવસ્થા અને છેલ્લા 10 વર્ષોમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાનું પરિણામ છે. તેમણે કહ્યું કે, ગુજરાત નવા યુગની વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજી સેવાઓનું વૈશ્વિક હબ બનાવવા માંગે છે. વડાપ્રધાને કહ્યું કે, ગિફ્ટ સિટીમાં 21મી સદીની આર્થિક નીતિઓનું મંથન ગુજરાતને ગૌરવ અપાવશે. ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ફિનટેક બજારોમાંનું એક છે. ફિનટેકમાં ભારતની તાકાત, ગિફ્ટ આઈએફએસસી ના વિઝન સાથે જોડાયેલી છે, જેના કારણે સ્થાન ફિનટેકનું ઊભરતું હબ બની રહ્યું છે. ગિફ્ટ સિટી વૈશ્વિક ફિનટેક વિશ્વનો પ્રવેશદ્વાર અને વિશ્વ માટે ફિનટેક પ્રયોગશાળા બનવાની ક્ષમતા ધરાવે છે.
વડાપ્રધાન મોદીએ ગરબા નૃત્યને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા બદલ ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતની સફળતા એ દેશની સફળતા છે. વડા પ્રધાને કહ્યું કે, જળવાયુ પરિવર્તન એ આજે વિશ્વની સામે સૌથી મોટા પડકારો પૈકી એક છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક હોવાને કારણે ભારત પણ આ ચિંતાઓને ઓછી આંકતું નથી. અમે આ અંગે સભાન છીએ.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ/મુકુંદ / ડો. હિતેશ/હર્ષ શાહ
