કોલકતા, નવી દિલ્હી, રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદ, મંગળવારે રાત્રે 95 વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને અન્ય મહાનુભાવોએ, શોક વ્યક્ત કર્યો છે. તેઓ 2017માં રામકૃષ્ણ મિશનના 16મા અધ્યક્ષ બન્યા હતા.
શોકાતુર રામકૃષ્ણ મિશનએ રાત્રે એક નિવેદન જારી કર્યું હતું કે, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમ આદરણીય અધ્યક્ષ, શ્રીમદ સ્વામી સ્મરણાનંદજી મહારાજે આજે રાત્રે 8.14 કલાકે મહાસમાધિ લીધી હતી. તેમને સંક્રમણને કારણે 29 જાન્યુઆરીએ રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ વધી. તેમને 3 માર્ચે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ તેમની એક્સ-હેન્ડલ પોસ્ટમાં કહ્યું, “તેમણે અસંખ્ય હૃદય અને દિમાગ પર અમીટ છાપ છોડી છે. તેમની કરુણા અને બુદ્ધિ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.” તેમણે કહ્યું, ”મારો તેમની સાથે વર્ષોથી ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો છે. મને 2020 માં બેલુર મઠની મારી મુલાકાત યાદ છે, જ્યારે મેં તેમની સાથે વાતચીત કરી હતી. થોડા અઠવાડિયા પહેલા, મેં કોલકાતાની હોસ્પિટલમાં પણ મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, તેઓ રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદના નિધનના સમાચાર સાંભળીને દુઃખી છે. તેમના જવાથી ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
