નવી દિલ્હી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર અને લુધિયાણાના કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ મંગળવારે, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં જોડાયા છે.
રવનીત બિટ્ટુ, સતત ત્રણ વખત પંજાબથી સાંસદ રહી ચુક્યા છે. તેઓ 2009માં પહેલીવાર, આનંદપુર સાહિબથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 2014 અને 2019માં, લુધિયાણાથી કોંગ્રેસના સાંસદ બન્યા.
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ, અહીં પાર્ટી હેડક્વાર્ટર ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં, રવનીતની પાર્ટી સદસ્યતા ગ્રહણ કરાવી અને ફૂલના ગુચ્છાથી, તેમનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે,”રવનીત સિંહ, ભાજપમાં જોડાવાથી પંજાબમાં પાર્ટી વધુ મજબૂત થશે.”
ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે,” છેલ્લા 10 વર્ષમાં મેં જોયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પંજાબને ખૂબ પ્રેમ કરે છે. તેઓ પંજાબ માટે ઘણાં વિકાસ કાર્યો કરવા માંગે છે.” તેમણે કહ્યું કે,” પંજાબ અન્ય રાજ્યોની સરખામણીમાં પાછળ રહી ગયું છે, અમે ત્યાંના ખેડૂતો, મજૂરો અને ઉદ્યોગો માટે કામ કરીશું.”
આ પ્રસંગે ભાજપના ચૂંટણી પંચ વિભાગના પ્રમુખ, ઓમ પાઠક પણ હાજર હતા.
