નવી દિલ્હી, 02 ફેબ્રુઆરી : રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ઝારખંડમાં ચૂંટાયેલી સરકારને, નબળી કરવામાં આવી રહી છે. સંપૂર્ણ બહુમતી હોવા છતાં પણ, રાજ્યપાલ સરકાર બનાવવા માટે આમંત્રણ આપી રહ્યા નથી.
શુક્રવારે રાજ્યસભામાં ઝારખંડની રાજકીય સ્થિતિનો મુદ્દો ઉઠાવતા ખડગેએ કહ્યું કે, જ્યારે ઝારખંડના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું, ત્યારે તેમણે નવા મુખ્યમંત્રીના નામ સાથે સમર્થકોની યાદી આપી હતી. સામાન્ય રીતે, યાદી આપ્યા પછી તરત જ ‘વિશ્વાસનો મત’ લેવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં, રાજ્યપાલે ‘વિશ્વાસનો મત’ લેવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. અગાઉ જ્યારે નીતીશ કુમારે રાજીનામું આપ્યું હતું, ત્યારે તેમણે તરત જ શપથ લીધા હતા. આ લોકશાહીની નામોશી કરવામાં આવી રહી છે. જે ખૂબ જ શરમજનક છે.
ખડગેના આ નિવેદન પર વાંધો વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, એક તરફ રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે કહી રહ્યા છે કે, બીજા ગૃહના નેતા વિશે આ ગૃહમાં કોઈ ચર્ચા ન થવી જોઈએ, તો બીજી તરફ તેઓ ઝારખંડના રાજ્યપાલના નિર્ણય પર ચર્ચા કરી રહ્યા છે. ગવર્નર દ્વારા લેવામાં આવેલ નિર્ણય કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી લેવામાં આવ્યો હોવો જોઈએ. જોકે જ્યારે નિર્મલા સીતારમણ બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
