કોલકતા, નવી દિલ્હી, મંગળવારે કોલકાતા હાઈકોર્ટના જજ પદેથી રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ, અભિજીત ગાંગુલીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ 7 માર્ચે સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.
રાજીનામું આપ્યા બાદ, પોતાના ઘરે મીડિયા સાથે વાત કરતા તેમણે જાહેરાત કરી હતી કે, હું ભાજપમાં જોડાઈ રહ્યો છું, કારણ કે આ પાર્ટી બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ભ્રષ્ટાચાર સામે લડી રહી છે. તેમણે મંગળવારે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રાજીનામું પત્ર મોકલ્યો હતો અને તેની નકલો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ શિવગણમને મોકલી હતી. ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ જ્યારે તેમને લોકસભાની ચૂંટણી લડવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો તેમણે વાત ટાળી દીધી.
અહીં ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે, તેઓ તમલુક લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે.ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ 7 માર્ચે એક સરપ્રાઈઝ આપવાની જાહેરાત કરી હતી, જે આજે તેમના રાજીનામા બાદ, જસ્ટિસ અભિજીતની જાહેરાત સાથે જોડાયેલી જોવામાં આવી રહી છે.
