નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર જગદીશ કુમાર અરોડા અને તેમની પત્ની અલકા અરોડા અને અન્યની 8.80 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, બુધવારે ‘એક્સ’ પોસ્ટ પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હી જલ બોર્ડના તત્કાલિન ચીફ એન્જિનિયર જગદીશ કુમાર અરોડા અને તેમની પત્ની શ્રીમતી અલકા અરોડા, અનિલ કુમાર અગ્રવાલ (સબ કોન્ટ્રાક્ટર) મેસર્સ કંપનીના માલિક ઇન્ટિગ્રલ સ્ક્રુ ઇન્ડસ્ટ્રીઝ અને મેસર્સ એનકેજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ડીજેબીનો કોન્ટ્રાક્ટર) કુલ રૂ. 8.80 કરોડની કિંમતની વિવિધ સ્થાવર અને જંગમ મિલકતો કામચલાઉ રીતે જપ્ત આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે, આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે. ઇડી ના જણાવ્યા અનુસાર, આ સ્થાવર મિલકતો દિલ્હીમાં આવેલી છે.
આ ઉપરાંત, ઇડી એ મની લોન્ડરિંગ નિવારણ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ રાજીન્દર કુમાર ગુપ્તા, ભૂતપૂર્વ સીએમડી, ડબ્લ્યુએપીસીઓએસ લિમિટેડ, તેમની પત્ની રીમા સિંગલ અને તેમના પુત્ર ગૌરવ સિંગલની કુલ 3.27 કરોડની કિંમતની ગુડગાંવમાં સ્થાવર મિલકતો પણ જપ્ત કરી છે.
નોંધનીય છે કે, દિલ્હી જલ બોર્ડ કૌભાંડ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કરી રહી છે. દિલ્હી જલ બોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર અને લાંચ સંબંધિત મામલામાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે ઈડીએ પણ તેની તપાસ શરૂ કરી છે.
