નવી દિલ્હી, અમેરિકામાં પૂર્વ ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ મંગળવારે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમણે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીની સદસ્યતા લીધી. આ પ્રસંગે પાર્ટીના મહાસચિવ તરુણ ચુગ અને વિનોદ તાવડે હાજર હતા.
ભાજપમાં જોડાયા બાદ તરનજીત સિંહે પત્રકારોને કહ્યું કે,” છેલ્લા 10 વર્ષમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કર્યું છે. ખાસ કરીને અમેરિકા અને શ્રીલંકા સાથે રાજદ્વારી સંબંધોના મામલે નજીકથી કામ કર્યું. વડાપ્રધાન મોદીનું નેતૃત્વ વિકાસ પર કેન્દ્રિત છે. આ વિકાસ, અમૃતસર સુધી પહોંચવો જોઈએ.” પાર્ટીમાં જોડાવા બદલ વડાપ્રધાન મોદી, ગૃહ-પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે,” પાર્ટીએ તેમને દેશની સેવાના નવા માર્ગ પર જવા માટે પ્રોત્સાહિત કર્યા.”
તરનજીત સિંહે મીડિયાને કહ્યું કે,” જો પાર્ટી તરફથી આદેશ મળે તો તેઓ અમૃતસર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.” તેમણે કહ્યું કે,” આજની વિદેશ નીતિ વિકાસ સાથે જોડાયેલી છે. ભાજપમાં જોડાઈને તેઓ, પોતાના વતન અમૃતસરનો વિકાસ કરશે.”
