માઢા (મહારાષ્ટ્ર), નવી દિલ્હી, : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશે કોંગ્રેસને 60 વર્ષ સુધી દેશ પર શાસન કરવાનો મોકો આપ્યો. આ 60 વર્ષમાં દુનિયાના ઘણા દેશો સંપૂર્ણ બદલાઈ ગયા, પરંતુ કોંગ્રેસ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડી શકી નથી. 2014 માં, લગભગ 100 સિંચાઈ યોજનાઓ હતી જે ઘણા દાયકાઓથી પેન્ડિંગ હતી. તેમાંથી 26 યોજનાઓ મહારાષ્ટ્રની હતી. કલ્પના કરો કે, કોંગ્રેસે મહારાષ્ટ્રને કેટલો મોટો દગો આપ્યો છે.
ભાજપના જોરદાર ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ, અહીં પાર્ટીની વિશાળ જાહેર સભામાં મતદારો સમક્ષ સમગ્ર મહારાષ્ટ્રની આ પીડા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 10 વર્ષ પહેલા જ્યારે રિમોટ કંટ્રોલ સરકાર ચાલી રહી હતી, ત્યારે મહારાષ્ટ્રના એક અગ્રણી નેતા કૃષિ મંત્રી હતા. જ્યારે દિલ્હીમાં અહીંના શક્તિશાળી નેતાઓનું શાસન હતું ત્યારે શેરડીની એફઆરપી 200 રૂપિયાની આસપાસ હતી અને આજે મોદીના કાર્યકાળમાં શેરડીની એફઆરપી 350 રૂપિયાની આસપાસ છે.
વડાપ્રધાને કહ્યું, વિકસિત ભારત બનાવવામાં દેશની મહિલા શક્તિની બહુ મોટી ભૂમિકા છે. મોદી તેમના ગામડાની બહેનોને સશક્ત કરવામાં વ્યસ્ત છે. છેલ્લા 10 વર્ષમાં અમારા પ્રયાસોને કારણે એક કરોડ બહેનો લખપતિ દીદી બની છે. હવે મોદીએ ખાતરી આપી છે કે હું 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવીશ.
