નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિં.સ.) આજે, મહામના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતિ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજ્ઞાન ભવનમાં તેમના સન્માનમાં આયોજિત, એક ગૌરવપૂર્ણ સમારોહને સંબોધિત કરશે. આ પ્રસંગે વડાપ્રધાન ‘પંડિત મદન મોહન માલવિયાની સંકલિત રચનાઓના’ 11 ખંડોની પ્રથમ શ્રેણીનું વિમોચન પણ કરશે. પીઆઈબીના જાહેરનામામાં આ માહિતી આપવામાં આવી છે.
પીઆઈબીના જાહેરનામા મુજબ, આ કાર્યક્રમ વિજ્ઞાન ભવન ખાતે સાંજે સાડા ચાર વાગ્યે થશે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને પણ સંબોધિત કરશે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે,” ‘અમૃત કાલ’ દરમિયાન વડાપ્રધાનનું વિઝન રાષ્ટ્રની સેવામાં અમૂલ્ય યોગદાન આપનારા, સ્વાતંત્ર્ય સેનાનીઓને યોગ્ય સન્માન આપવાનું હતું. ‘પંડિત મદન મોહન માલવિયાની સંકલિત રચનાઓ’નું વિમોચન, આ દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પ્રયાસ છે.
મહામના માલવિયાની આ દ્વિભાષી કૃતિઓ (અંગ્રેજી અને હિન્દી) 11 ખંડોમાં આશરે 4,000 પાનાની બનેલી છે. આ સંપૂર્ણ વિભાગમાં પંડિત મદન મોહન માલવિયાના લેખો અને ભાષણોનો, સંગ્રહ કરવામાં આવ્યો છે. આ મુશ્કેલ અને દુર્લભ કાર્ય મહામના માલવીય મિશન દ્વારા જાણીતા પત્રકાર, રામ બહાદુર રાયના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. વિશેષતા એ છે કે, મિશનની સમર્પિત ટીમે ભાષા અને લખાણમાં કોઈ ફેરફાર કર્યા વિના પંડિત મદન મોહન માલવિયાના મૂળ સાહિત્ય પર ઉત્તમ કાર્ય કર્યું છે.’
મહામનાને તેમની જન્મજયંતિ પર યાદ કરીને ભાજપે લખ્યું છે – ‘રાષ્ટ્રવાદના કટ્ટર સમર્થક, બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણવિદ, ‘ભારત રત્ન’ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર શત શત નમન.’ તેમનું પુણ્ય સમરણ યાદ કરીને, કેન્દ્રીય ગૃહ-પ્રધાન અમિત શાહે પણ લખ્યું છે – ‘પંડિત મદન મોહન માલવિયા જી એ એક ઉત્તમ ઉદાહરણ છે કે, કેવી રીતે વ્યક્તિ રાષ્ટ્ર, સંસ્કૃતિ અને યુવાનોના સારા ભવિષ્ય માટે, પોતાનું જીવન સમર્પિત કરી શકે છે. તેમનું માનવું હતું કે, યુવાનોમાં રાષ્ટ્રવાદના મૂલ્યો કેળવવાથી જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે. ભારત રત્ન પં. મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર કોટી વંદન.” બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ મહામાનાને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
