
જયપુર, નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.) રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્યના 5 કરોડ 26 લાખ 90 હજાર 146 મતદારો 1863 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. તેમાં 183 મહિલા ઉમેદવારો પણ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે મળીને જિલ્લાઓમાં શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી છે. પ્રારંભિક તબક્કામાં મતદાનની ગતિ ધીમી છે. જોકે, સવારે 7 વાગ્યા પહેલા જ લોકો મતદાન કરવા માટે બૂથ પર પહોંચી ગયા હતા.
રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકોના કુલ 51,507 મતદાન મથકો પર કુલ 5 કરોડ 26 લાખ 90 હજાર 146 મતદારો 1863 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. 18-30 વયજૂથના 1,70,99,334 યુવા મતદારો તેમનો મત આપશે, જેમાં 18-19 વયજૂથના 22,61,008 નવા મતદારોનો સમાવેશ થાય છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યમાં 51 હજાર 980 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. દરેક મતદાન મથક પર સરેરાશ 1023 મતદારો છે. રાજ્યમાં 1592 મતદાન મથકોની કમાન મહિલાઓને સોંપવામાં આવી છે અને 199 મતદાન મથકોની બાગડોર વિકલાંગ કર્મચારીઓને સોંપવામાં આવી છે. રાજ્યમાં 26 હજાર 393 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.
રાજ્યની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, કારણ કે શ્રીગંગાનગર વિધાનસભા બેઠકના ઉમેદવાર ગુરમીત સિંહ કિન્નરના મૃત્યુને કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. સત્તાધારી કોંગ્રેસે 198 અને ભાજપે 199 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે 737 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. આ સિવાય બસપામાંથી 185, આમ આદમી પાર્ટીના 86, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના 78, આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના 46, ભારત આદિવાસી પાર્ટીના 27, રાઈટ ટુ રિકોલ પાર્ટીના 26, ઈન્ડિયન પીપલ્સ ગ્રીન પાર્ટીના 22, અભિનવ રાજસ્થાન પાર્ટી ના 21. જનનાયક જનતા પાર્ટીના 20, બહુજન મુક્તિ પાર્ટીના 18,ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 17, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સ)ના 17, અભિનવ લોકતાંત્રિક પાર્ટી, ભીમ આદિવાસી કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ ના 10-10 સહિત, અઢી ડઝનથી વધુ પક્ષો ના સેંકડો ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/ઈશ્વર/સુનીત / ડો. હિતેશ
