રાયપુર/કાંકેર, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) કાંકેર જિલ્લાના નક્સલ પ્રભાવિત, કોહલી બેડા વિસ્તારના ગોમે ગામમાં જાહેર અદાલત ગોઠવીને નક્સલવાદીઓએ એક ગ્રામીણ યુવકની હત્યા કરી હતી. મૃતકનું નામ અમરસિંહ ઉઇકા હોવાનું કહેવાય છે.
મંગળવારે નક્સલવાદીઓની રાવ ઘાટ એરિયા કમિટીએ યુવકની હત્યાની જવાબદારી લેતા સ્થળ પર એક બેનર લગાવ્યું હતું. જેમાં લખ્યું છે કે, અમર સિંહ ઉઈકાએ ડીઆરજી ને તેના સહયોગીઓ વિશે જાણ કરી હતી, જેના કારણે બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અધિક્ષક દિવ્યાંગ પટેલે જણાવ્યું હતું કે, ઘટના અંગે માહિતી મળી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, કાંકેર જિલ્લામાં સોમવારે સુરક્ષા દળોએ નક્સલવાદીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો અને 3 પાઇપ બોમ્બ અને 2 કુકર બોમ્બ જપ્ત કર્યા હતા. કાંકેરના પોલીસ અધિક્ષક દિવ્યાંગ પટેલે આ બાબતની પુષ્ટિ કરી છે.
સર્ચ દરમિયાન સૈનિકોને ઉલિયા ગામ અને માડ પખાનજૂર વચ્ચે ટેકરી પાસે એક આઈઇડી મળ્યો. સૈનિકોએ તેનો કબજો લીધો અને તેને ડિફ્યુઝ કરી દીધો. ચૂંટણીના પહેલા તબક્કા દરમિયાન આ સ્થળે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ શર્મા / સંજીવ / ડો. હિતેશ / માધવી
