નવી દિલ્હી, 11 નવેમ્બર (હિ.સ.) દક્ષિણ અભિનેત્રી રશ્મિકા મંદાના ના ડીપફેક એઆઈ-જનરેટેડ વિડિયો પર થયેલા હોબાળા પછી દિલ્હી પોલીસે શુક્રવારે એફઆઈઆર નોંધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલે આ સંદર્ભમાં આઈપીસી, 1860ની કલમ 465 અને 469 અને આઈટી એક્ટ, 2000ની કલમ 66સી અને 66ઇ હેઠળ કેસ નોંધ્યો છે.
નોંધનીય છે કે, રશ્મિકાના ડીપફેક વીડિયોમાં એક મહિલા કાળા કપડામાં લિફ્ટની અંદર જોવા મળી રહી છે. રશ્મિકા મંદાના જેવો દેખાવા માટે તેનો ચહેરો એઆઈ ની મદદથી એડિટ કરવામાં આવ્યો હતો. જેમાં ચહેરો મંદાનાનો હતો જ્યારે શરીર અન્ય મહિલાનું હતું. તેને એ રીતે એડિટ કરવામાં આવ્યું હતું કે, તે રશ્મિકા મંદાના નો વીડિયો હોય તેવું દેખાય.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષે પોતે મોટુ સંજ્ઞાન લેતા, શુક્રવારે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો. મહિલા આયોગે પોલીસ પાસે આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરની નકલ, આરોપીઓ વિશેની માહિતી અને આ સંબંધમાં લેવાયેલી કાર્યવાહીનો રિપોર્ટ 17 નવેમ્બર સુધીમાં માંગ્યો છે.
ડીપફેક શું છે: કોઈ બીજાના ચહેરાને વાસ્તવિક વીડિયોમાં ફીટ કરવાને ડીપફેક કહેવાય છે. આ માટે ટેક્નોલોજી કોડર અને ડીકોડર ટેક્નોલોજીની મદદ લેવામાં આવે છે. ડીકોડર પ્રથમ વ્યક્તિના ચહેરાના હાવભાવ અને બંધારણની તપાસ કરે છે. આ પછી તેને બીજા ચહેરા પર લગાવવામાં આવે છે. આ રીતે, એકસરખા નકલી વીડિયો અને ફોટા બનાવી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર/અશ્વની/મુકુંદ / ડો. હિતેશ
