નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-એનસીઆરમાં ચાર દિવસ પહેલા પડેલા વરસાદને કારણે અહીં હવામાં ફેલાયેલા ઝેરની અસર ઘણી હદ સુધી ઘટી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ઓવરઓલ એર ક્વોલિટી ઈન્ડેક્સ (એકયુઆઈ)માં એવો કોઈ ઉછાળો નથી, જે સંકટને વધુ ખરાબ કરી શકે. આમ છતાં રાજધાનીની હવાની ગુણવત્તા સારી કહી શકાય નહીં. ગઈકાલની જેમ આજે (પણ) તે ‘ખરાબ’ શ્રેણીમાં રહે છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, આજે સવારે દિલ્હીના આનંદ વિહારમાં એકયુઆઈ 266, આરકે પુરમમાં 241, પંજાબી બાગમાં 233 અને આઈટીઓ માં 227 હતો. ગઈકાલે સવારે દિલ્હીના આનંદ વિહારમાં 282, આરકે પુરમમાં 220, પંજાબી બાગમાં 236 અને આઈટીઓ માં 263 નોંધાયા હતા.
આ બધું ગુરુવારે રાત્રે પડેલા વરસાદની અસર છે. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અન્યથા કોર્ટની આકરી ટીપ્પણીથી ખીજાયેલી દિલ્હી સરકાર કૃત્રિમ વરસાદની તૈયારી કરી રહી હતી. પરંતુ આ પહેલા કુદરતે ચાર્જ સંભાળ્યો અને રાહતના છાંટા સાથે હવાને શ્વાસ લેવા યોગ્ય બનાવી દીધી. બોર્ડનું કહેવું છે કે એનસીઆરના મોટા શહેરોમાં આજે હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં છે. રવિવારે સવારે દિલ્હી-એનસીઆર માં હવાની ગુણવત્તાનું સ્તર ઘટીને 263 થઈ ગયું હતું. શુક્રવારે તે 300 હતો.
દરમિયાન, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનને કારણે પ્રદૂષણનું સ્તર વધી શકે છે. તેથી, દિવાળી દરમિયાન એટલે કે આજે, દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં પહોંચી શકે છે. સોમવારે બીજા દિવસે, હવા ગુણવત્તા સૂચકાંક 400 પોઈન્ટને વટાવી શકે છે. આ કારણોસર, 13 અને 14 નવેમ્બરે હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં રહેવાની સંભાવના છે.
આ બધાની વચ્ચે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સંબંધિત અહેવાલો પર, વિવિધ એજન્સીઓના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું છે કે, જમીની સ્તરે પરિણામો અસંતોષકારક છે. ચેરમેન ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય સુધીર અગ્રવાલ અને પર્યાવરણ સભ્ય એ. સેંથિલ વેલ ની બેન્ચે જણાવ્યું હતું કે, એજન્સીઓએ તેમની વ્યૂહરચનાની સમીક્ષા કરવાની જરૂર છે. ખંડપીઠે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન અને બોર્ડ (જવાબદાતાઓ)ને 20 નવેમ્બરે આગામી સુનાવણી પહેલાં કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
