જમ્મુ, નવી દિલ્હી,15 નવેમ્બર (હિ.સ.) જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લાના અસ્સર માં મુસાફરોથી ભરેલી બસ નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં 33 લોકોના મોત થયા હતા. દુર્ઘટનામાં ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને જીએમસી ડોડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ડોડાથી જમ્મુ જઈ રહેલી બસ અસ્સર પાસે ઓવરટેક કરતી વખતે કાબૂ બહાર નીકળી ગઈ અને ઉંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં 33 લોકોના મોત થયા હતા અને 26 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. બે ઘાયલોની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેઓને જીએમસી જમ્મુમાં રીફર કરવામાં આવ્યા હતા પરંતુ તેઓનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું.
અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, આ રૂટ પર ત્રણ બસ એકસાથે દોડી રહી હતી અને એકબીજાને ઓવરટેક કરવાની હોડમાં આ મોટો અકસ્માત થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
જિલ્લા ડેપ્યુટી કમિશનર, એસએસપી, ડોડા અને અન્ય ઘણા અધિકારીઓ જીએમસી ડોડા પહોંચી ગયા છે અને ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને ડૉ. જિતેન્દ્ર સિંહે, આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે, સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / સંજીવ / માધવી
