નવી દિલ્હી, 05 ડિસેમ્બર (હિ. સ.) ચંદ્રયાન 3 એ આજે વધુ એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એક અનોખા પ્રયોગમાં, ઇસરો એ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ (પીએમ)ને પાછું પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવ્યું છે, જે ચંદ્રની પરિક્રમા કરી રહ્યું હતું. ઇસરો એ મંગળવારે એક્સ પર આનંદ શેર કરતા કહ્યું કે, અન્ય એક અનોખા પ્રયોગમાં ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ (પીએમ)ને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી, પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું છે. પ્રોપલ્શન મોડ્યુલ માટે, વાપસીની પ્રક્રિયા કરવામાં આવી હતી.
ઈસરોના જણાવ્યા મુજબ, 10 નવેમ્બરના રોજ, પ્રોપલ્શન મોડ્યુલે ચંદ્રથી પૃથ્વી પર પાછા ફરવાની શરૂઆત કરી હતી. 22 નવેમ્બરના રોજ, અવકાશયાન પૃથ્વીની તેના સૌથી નજીકના બિંદુ (પેરીગી) માંથી પસાર થયું. આ પ્રયોગ ચંદ્ર પરથી સેમ્પલ પરત લાવવાના, મિશન (સેમ્પલ રીટર્ન મિશન)ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. પ્રોપલ્શન મોડ્યુલ, જે સૌપ્રથમ ચંદ્રના 150 કિમીની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું. તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતું હતું અને હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાં છે.
ઈસરોના જણાવ્યા અનુસાર, આ પ્રોપલ્શન મોડ્યુલ માત્ર ત્રણ મહિના માટે ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેવાનું હતું. પરંતુ ઇસરોએ પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું લાવવા માટે બળતણનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું, જેથી નમૂના પરત મિશન માટે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકાય. નોંધનીય છે કે, ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈ 2023ના રોજ શ્રી હરિકોટોથી લોન્ચ થયું હતું. ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ લેન્ડિંગ કરવાનો હતો અને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટી પર હાજર ખનિજોનું અન્વેષણ કરવાનો હતો. 23 ઓગસ્ટના રોજ, ચંદ્રયાન 3 એ ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ત્યાર બાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે 10 દિવસ સુધી માહિતી એકઠી કરી. જે બાદ તેને સ્લીપ મોડ પર મૂકવામાં આવ્યો હતો.
આ છે પ્રોપલ્શન મોડ્યુલઃ
ચંદ્રયાન 3માં ત્રણ મહત્વના ભાગ હતા. જેમાં પ્રોપલ્શન મોડ્યુલ, બીજું લેન્ડર મોડ્યુલ અને ત્રીજું રોવર છે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રયાન-3નું કામ લેન્ડર અને રોવરને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ લઈ જવાનું છે. પીએમ, એ લેન્ડર અને રોવરને ચંદ્રની ભ્રમણકક્ષાથી 100 કિલોમીટર ઉપર છોડ્યું. લેન્ડર અને રોવર સાથે સંચાર જાળવવા માટે, પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરવાનું ચાલુ રાખ્યું.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / મુકુંદ / ડો. હિતેશ / માધવી
