નવી દિલ્હી, 05 ડિસેમ્બર (હિ. સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે કહ્યું કે, વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ 2026-27માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર 7 ટકા સુધી પહોંચવાનો અંદાજ પણ મૂક્યો છે.
એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે મંગળવારે જાહેર કરેલા તેના નવીનતમ અનુમાનમાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર, ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 6.4 ટકાના સ્તરે રહેશે, તે પછી આગામી નાણાકીય વર્ષ 2024-25માં 6.9 ટકા સુધી પહોંચશે. એજન્સીએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2026-27માં તે સાત ટકા સુધી પહોંચી જશે.
અગાઉ, એસ એન્ડ પી એ તેના ‘ગ્લોબલ ક્રેડિટ આઉટલુક 2024’ માં 31 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થતા ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી વૃદ્ધિ 6.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો, જ્યારે અગાઉના નાણાકીય વર્ષ 2022-23માં તે 7.2 ટકા હતો.
રેટિંગ એજન્સીએ કહ્યું કે, અમે નાણાકીય વર્ષ 2026-27માં ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા સુધી પહોંચતો જોઈ રહ્યા છીએ. એસ એન્ડ પી એ જણાવ્યું હતું કે, ભારત 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. એજન્સીએ કહ્યું કે, અમને આશા છે કે તે આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં અમેરિકા, ચીન, જર્મની અને જાપાન પછી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
