જયપુર, નવી દિલ્હી, 31 જાન્યુઆરી : આ વખતે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલને, જયપુર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (જિફ)માં આઉટસ્ટેન્ડિંગ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. તેમની સાથે રાજસ્થાની સિનેમાના જ્ઞાનકોશના લેખક, સિને ઈતિહાસકાર મુરલીધર સોનીને પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે.
આ જાહેરાત બુધવારે જયપુરમાં જીફના સ્થાપક નિર્દેશક હનુ રોઝે કરી હતી. આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ ફેસ્ટિવલની 16મી આવૃત્તિ 9 થી 13 ફેબ્રુઆરી દરમિયાન, આઈનોક્સ જીટી સેન્ટ્રલ, જયપુર ખાતે યોજાશે.
આઇકોનિક અભિનેત્રી કામિની કૌશલે 1946માં ચેતન આનંદની ફિલ્મ ‘નીચા નગર’ સાથે, ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને નાયિકા અને ચરિત્ર અભિનેત્રી તરીકે યાદગાર ભૂમિકાઓ ભજવીને લાંબી અને સફળ ઇનિંગ્સ ભજવી હતી. તેમણે ટીવી સિરિયલો અને કઠપૂતળી કળામાં પણ, પોતાના કામથી છાપ છોડી. આ પુરસ્કાર તેમની નોંધપાત્ર કારકિર્દી, કલા પ્રત્યેના તેમના સમર્પણ અને સિનેમાની દુનિયા પર તેમની ઊંડી અસર માટે આપવામાં આવી રહ્યો છે. આ 97 વર્ષની અભિનેત્રીને મુંબઈમાં તેના ઘરે આ સન્માન આપવામાં આવશે. 2011માં, કામિની કૌશલ જિફમાં ભાગ લેવા માટે જયપુર આવી હતી. આ પહેલા પણ, આ એવોર્ડ આશા પારેખ, શર્મિલા ટાગોર, જયા બચ્ચન, પ્રકાશ ઝા, રમેશ પ્રસાદ, રોબિન ભટ્ટ, અપર્ણા સેન, શાજી એન કરુણ, દિલીપ કુમાર, માજિદ મજીદી વગેરેને આપવામાં આવ્યો છે.
સિને ઈતિહાસકાર અને અનુભવી પત્રકાર લેખક મુરલીધર સોનીએ, વર્ષોની મહેનત અને સંશોધનથી રાજસ્થાની સિનેમાનો પ્રથમ જ્ઞાનકોશ તૈયાર કર્યો છે. રાજસ્થાની સિનેમાની 80 વર્ષની સફરનો અધિકૃત દસ્તાવેજ બનાવવા અને તેના વારસાને જાળવવા અને સિનેમા જગતમાં તેમના ઉત્કૃષ્ટ સાહિત્યિક યોગદાનને દર્શાવતા જિફ તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરશે.
