નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી : બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી તેની ફિલ્મ ’12મી ફેલ’, રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. 27 ઓક્ટોબર 2023ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ, બોક્સ ઓફિસ પર જબરજસ્ત હિટ રહી હતી. હાલમાં જ વિક્રાંતે, સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને તેના ચાહકોને એક ખુશખબર આપી છે. વિક્રાંતની પત્ની શીતલ ઠાકુરે, પુત્રને જન્મ આપ્યો છે. વિક્રાંતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પિતા બનવાના સમાચાર શેર કર્યા છે.
અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે,’ તેને એક પુત્ર થયો છે.’ આ પોસ્ટમાં વિક્રાંત અને શીતલ બંનેએ સાથે મળીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. પોસ્ટમાં વિક્રાંતે લખ્યું, ‘હવે અમે પણ એક પરિવાર છીએ, અમે અમારા પુત્રનું, અમારી દુનિયામાં સ્વાગત કરી રહ્યા છીએ અને અમે આ સમાચાર જાહેર કરતાં ખૂબ જ ખુશ છીએ. આપનો વિક્રાંત.
વિક્રાંતની આ પોસ્ટ જોઈને, ઘણા લોકોએ કોમેન્ટ કરીને તેમને અભિનંદન આપ્યા છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ પણ, વિક્રાંત અને શીતલને અભિનંદન પાઠવ્યા છે. શીતલને થોડા વર્ષો સુધી ડેટ કર્યા બાદ વિક્રાંતે, ફેબ્રુઆરી 2022માં શીતલ સાથે લગ્ન કર્યા. 24 સપ્ટેમ્બર 2023 ના રોજ, વિક્રાંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે, શીતલ ગર્ભવતી છે.
વિક્રાંત મેસીએ પોતાના કરિયરની શરૂઆત, ટીવી સિરિયલોથી કરી હતી. બાદમાં તેણે ધીરે ધીરે ફિલ્મોમાં પણ નાના રોલ કરવા માંડ્યા. વિક્રાંતને તેની વાસ્તવિક ઓળખ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’થી મળી હતી. આમાં વિક્રાંતના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. 69માં ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં વિક્રાંત મેસીને ફિલ્મ ’12મી ફેલ’ માટે, બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મ ’12મી ફેલ’ આઈપીએસ ઓફિસર મનોજ શર્માના જીવન પર આધારિત છે. વિક્રાંત, ટૂંક સમયમાં એકતા કપૂરની ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે.
