નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ. સ.) દેઓલ પરિવાર હાલમાં બોલિવૂડની દુનિયામાં, સારો દેખાવ કરી રહ્યો છે. એક્ટર સની દેઓલની ‘ગદર 2’, ધર્મેન્દ્રની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને બોબી દેઓલની ‘એનિમલ’ હિટ રહી છે. જ્યાં એક તરફ દેઓલ પરિવાર પોતાની સફળતાનો જશ્ન મનાવી રહ્યો છે ત્યારે, હવે સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સની દેઓલ રસ્તાની વચ્ચે ચાલતો જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ તેના પર દારૂ પીવાનો આરોપ લગાવ્યો છે. હવે સની દેઓલે પોતે, આ અંગે પ્રતિક્રિયા આપી છે.
અભિનેતા સની દેઓલનો આ વીડિયો, ફેન પેજ પરથી સામે આવ્યો છે. આમાં સની દેઓલ ઓફ-વ્હાઈટ શર્ટમાં, નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અભિનેતા મુંબઈની સડકો પર ફરતો જોવા મળે છે. સની દેઓલને જોઈને એક ઓટો ડ્રાઈવર, તેની પાસે આવે છે અને તેનો હાથ પકડીને તેને રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કરે છે. સની દેઓલનો આ વીડિયો જોયા બાદ તેના ફેન્સ ચિંતાતુર બની ગયા છે. બધાએ વિચાર્યું કે, અભિનેતા નશામાં હતો અને રસ્તા પર ચાલી રહ્યો હતો. જોકે, સની દેઓલે સ્પષ્ટતા કરી છે કે, એવું કંઈ નથી.
સની દેઓલનો આ વીડિયો તેની આગામી ફિલ્મ ‘સફર’ના શૂટિંગ, દરમિયાનનો છે. ‘ગદર 2’ પહેલા સની દેઓલે ફિલ્મ ‘સફર’ સાઈન કરી હતી. હવે સની દેઓલે ખુદ એક વીડિયો શેર કરીને, ફેન્સને આ જાણકારી આપી છે. આ વીડિયો આ ફિલ્મના એક સીનનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે, સની દેઓલે પોતે આ વાતનો ખુલાસો કર્યા બાદ બધાને રાહત થઈ છે. સની દેઓલ હાલમાં ‘ગદર 2’ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. આ ફિલ્મથી સની દેઓલે કમબેક કર્યું છે. ફિલ્મ ‘ગદર 2’એ પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. ટૂંક સમયમાં સની દેઓલ ફિલ્મ ‘સફર’માં જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / પવન / માધવી
