નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ. સ.) વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી, ફાઇનલ મેચ જોવા માટે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન પણ અમદાવાદ પહોંચ્યો હતો. ફાઈનલ મેચમાં ભારતની હાર બાદ શાહરૂખ ખાને, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ભારતીય ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી, ફાઈનલ મેચ જોવા માટે અનેક હસ્તીઓ પણ હાજર રહી હતી. ભારતની હાર બાદ ફેન્સ અને સેલિબ્રિટીઓ પણ નિરાશ છે. આ પછી પણ ચાહકો આખા વર્લ્ડ-કપ દરમિયાન, ભારતીય ટીમના ખેલાડીઓના સારા પ્રદર્શનના વખાણ કરી રહ્યા છે. ફાઈનલ મેચ જોવા માટે કિંગ ખાન શાહરૂખ પણ હાજર રહ્યો હતો. ભારતની હાર બાદ તેણે એક્સ પર પોસ્ટ કર્યું કે,’ તેને ભારતીય ટીમ પર ગર્વ છે.’ શાહરૂખે લખ્યું, ‘ભારતીય ટીમે જે રીતે આ આખી ટૂર્નામેન્ટ રમી છે, તે સન્માનની વાત છે. તેણે આ સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહ અને નિશ્ચય દર્શાવ્યો હતો. તે એક રમત છે, અને હંમેશા એક કે બે દિવસ ખરાબ હોય છે. કમનસીબે આજે આવું થયું…પરંતુ આવા પ્રદર્શન માટે ટીમ ઈન્ડિયાનો આભાર જે અમને ક્રિકેટમાં, અમારા વારસા પર ગર્વ કરાવશે…તમે સમગ્ર ભારતને ખૂબ જ ખુશ કરી દીધું. તમારા માટે ઘણો પ્રેમ અને આદર.’
ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ અભિનેત્રી કાજોલે પણ, સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, ‘જે હાર્યા પછી જીતે છે તેને બાજીગર કહેવાય છે. ટીમ ઈન્ડિયા, તમે ખૂબ સારું રમ્યા. ઓસ્ટ્રેલિયાને વધુ એક વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન.’
વર્લ્ડ-કપમાં સતત દસ મેચ જીતનારી ભારતીય ટીમ, અંતે ફાઇનલમાં હારી ગઈ હતી. આ હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકો નિરાશ થયા હતા, પરંતુ ચાહકો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમની, સારી ઇનિંગની પ્રશંસા પણ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
