નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ. સ.) ટીવીથી લઈને ફિલ્મો સુધીના તેના અદ્ભુત કન્ટેન્ટ માટે જાણીતી કન્ટેન્ટ ક્વીન એકતા આર કપૂર, કે જેણે તેની શાનદાર કારકિર્દીમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. એવા એકતા કપૂરને, ન્યૂયોર્કમાં 51માં ઇન્ટરનેશનલ એમીમાં જાણીતા લેખક દીપક ચોપડા દ્વારા ‘ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ મેળવનાર, તે પ્રથમ મહિલા ફિલ્મ નિર્માતા છે.
આ પુરસ્કાર સાથે, એકતાની વૈશ્વિક સિદ્ધિઓની યાદીમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરાઈ છે. એકતા કપૂર ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગમાં, તેમના યોગદાનની વિશિષ્ટતા અને પ્રભાવને રેખાંકિત કરીને, આંતરરાષ્ટ્રીય એમી ડિરેક્ટોરેટ એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની છે. કુશળ નિર્માતાઓમાંના એક તરીકે જાણીતી એકતા, દાયકાઓથી ટેલિવિઝન ઉદ્યોગ પર રાજ કરી રહી છે. એકતા સતત, શાનદાર વિઝન સાથે સામગ્રી પહોંચાડી રહી છે જે વિવિધ અને વૈવિધ્યસભર પ્રેક્ષકોને આકર્ષિત કરી રહી છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ પર એકતાએ કહ્યું, “હું પ્રતિષ્ઠિત એમી ડિરેક્ટોરેટ એવોર્ડ મેળવીને, ખૂબ જ ખુશ છું. વૈશ્વિક સ્તરે આ રીતે સન્માનિત થવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું હંમેશા સ્ટોરીઓ કહેવા માંગુ છું, કારણ કે તે મને સાંભળવા, જોવા અને રજૂ કરવાની મંજૂરી આપે છે. હું પ્રેક્ષકોના પ્રેમ માટે આભારી છું, જેમણે મારા માટે દરવાજા ખોલ્યા. મને ટેલિવિઝનથી ફિલ્મો અને ઓટીટીની દુનિયામાં જવાની મંજૂરી આપી.” તેણે કહ્યું કે,” મારી દરેક વાર્તા દર્શકોને અનેક સ્તરે જોડવાનો સેતુ બની છે. આ ભારત અને તેની બહારના લોકોના પ્રેમની શક્તિનો પુરાવો છે. મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે.”
આંતરરાષ્ટ્રીય એમી ડિરેક્ટોરેટ એવોર્ડ, વૈશ્વિક સ્તરે મનોરંજન ઉદ્યોગમાં નવીનતા લાવવાની એકતાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. તેણીનો પદ્મશ્રી એવોર્ડ પણ આ ક્ષેત્રમાં તેણીની શ્રેષ્ઠતાનો પુરાવો છે અને તે મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. પ્રેક્ષકોની રુચિઓ અને પસંદગીઓને સમજવાની અને તેને પૂરી કરવાની તેમની પ્રતિભાએ તેમને એક દાયકાથી વધુ સમયથી મનોરંજન ઉદ્યોગમાં મોખરે રાખ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
