મુંબઈ, નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી : ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ સતત છઠ્ઠી વખત, પોલિસી વ્યાજ દર રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. રેપો રેટને 6.5 ટકા પર રાખવાનો અર્થ એ છે કે,’ ઘર, વાહન સહિતની વિવિધ લોન પરના માસિક હપ્તા (ઈએમઆઈ)માં કોઈ ફેરફાર થશે નહીં.’
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે, ગુરુવારે અહીં મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની દ્વિમાસિક સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે આ વાત કહી. શક્તિકાંત દાસે કહ્યું કે,” રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.” તેમણે કહ્યું કે,” એમપીસીની છ સભ્યોની ટીમે, પોલિસી વ્યાજ દર રેપો રેટને માત્ર 6.5 ટકા પર રાખવાનો 5-1ની સર્વસંમતિ સાથે નિર્ણય લીધો છે.”
રેપો રેટ શું છે?
રેપો રેટ એ પોલિસી વ્યાજ દર છે, જેના પર ભારતીય રિઝર્વ બેંક કોમર્શિયલ બેંકોને ધિરાણ આપે છે. હાલમાં રેપો રેટ 6.50 ટકા છે.
નોંધનીય છે કે, રિઝર્વ બેંકે છેલ્લા એક વર્ષથી રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કર્યો હતો.
