
નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી : કેનેરા બેંક તરલતા વધારવા માટે તેના ઇક્વિટી શેરના વિભાજનની યોજના બનાવી રહી છે. બેંકનું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, 26 ફેબ્રુઆરીએ મળનારી બેઠકમાં આ પ્રસ્તાવ પર નિર્ણય લેશે.
કેનેરા બેંકે બુધવારે શેરબજારને જાણ કરી હતી કે, શેર વિભાજનની દરખાસ્ત પર નિર્ણય 26 ફેબ્રુઆરીએ યોજાનારી તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં લેવામાં આવશે. આ બેઠકમાં તેના ઇક્વિટી શેરના વિભાજન માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી લેવાની યોજના છે. જો કે, આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંક અને અન્ય નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે.
નોંધનીય છે કે, શેર વિભાજન યોજના હેઠળ કંપની તેના શેરને બે ભાગમાં વહેંચે છે. નિયમનકારી મંજૂરી મેળવ્યા પછી, કંપનીના શેરધારકોને તેઓના દરેક શેર માટે એક વધારાનો શેર આપવામાં આવે છે. આ શેરહોલ્ડર પાસે પહેલેથી જ રાખેલા શેરની સંખ્યાને બમણી કરે છે.
