નવી દિલ્હી, 07 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે કહ્યું હતું કે,” લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ સંસદમાં રજૂ થનારું બજેટ નિયમિત બજેટ નહીં હોય, પરંતુ તે માત્ર એક લેખાનુદાન હશે. તેથી સરકાર કોઈ મોટી જાહેરાત કરશે નહીં. આ માટે તમારે જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ થવાની રાહ જોવી પડશે.”
સીતારમણે ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) અને નાણા મંત્રાલય દ્વારા આયોજિત વૈશ્વિક આર્થિક નીતિ મંચ 2023ને સંબોધિત કરતી વખતે, આ વાત કહી. નાણામંત્રીએ કહ્યું કે એ વાત સાચી છે કે,” 1 ફેબ્રુઆરી 2024ના રોજ જે બજેટની જાહેરાત થશે તે માત્ર ‘વોટ ઓન એકાઉન્ટ’ હશે. નવી સરકાર રચાય ત્યાં સુધી સરકાર જે બજેટ રજૂ કરશે તે સરકારી ખર્ચને પહોંચી વળવા માટે જ હશે.”
નાણામંત્રીએ કહ્યું કે,” સીમા સમાયોજન પર ટેક્સ લાદવાનો એકપક્ષીય નિર્ણય ‘ગ્લોબલ સાઉથ’ માટે ચિંતાનો વિષય છે.” તેમણે કહ્યું કે,” ક્રોસ બોર્ડર (ટેક્સ) લાદવો અને તે પૈસા બીજા કોઈના ગ્રીન એજન્ડામાં રોકાણ કરવું એ બિલકુલ નૈતિક નથી. દરેક દેશને વૈશ્વિક સ્તરે કરવામાં આવેલી હરિયાળી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે સંસાધનો ઉત્પન્ન કરવાની જરૂર પડશે.” નાણામંત્રીનું આ નિવેદન યુરોપિયન યુનિયન દ્વારા અમુક ક્ષેત્રોમાંથી આયાત પર કાર્બન ટેક્સ લગાવવાની જાહેરાતની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વચગાળાનું બજેટ ચૂંટણીના વર્ષમાં રજૂ થવાનું હતું, પરંતુ હવે નાણામંત્રીએ પોતે સ્પષ્ટ કર્યું છે કે, બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. વોટ ઓન એકાઉન્ટ હેઠળ, વર્તમાન સરકારનો ખર્ચ સામાન્ય ચૂંટણી પછી નવી સરકારની રચના સુધી આપવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન / ડો હિતેશ / માધવી
