નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિં.સ.) દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર વિશ્વના ટોચના 15 ધનિકોની યાદીમાં, સામેલ થઈ ગયા છે. અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે, જબરદસ્ત ફટકો ભોગવનાર ગૌતમ અદાણીની સંપત્તિ, ફરી એકવાર 86.02 અરબ ડોલરના સ્તરે પહોંચી ગઈ છે. આ રીતે, અદાણી હવે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 14માં સ્થાને છે. કુલ નેટવર્થના સંદર્ભમાં, અદાણી દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સરખામણીએ માત્ર 6.2 અરબ ડોલર પાછળ છે. મુકેશ અંબાણી હાલમાં 92.4 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે, વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 13મા ક્રમે છે.
નોંધનીય છે કે, અદાણી ગ્રૂપના શેરમાં ખાસ કરીને 24 નવેમ્બરથી તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 24 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગના આરોપો સંબંધિત કેસ પર, પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ આરોપને આંધળારીતે સાચા માની સ્વીકારી શકાય નહીં.” થોડા દિવસો પછી, અમેરિકન એજન્સી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશને પણ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા, અદાણી જૂથ સામે કરાયેલા આક્ષેપોને અ-પ્રાસંગિક ગણાવ્યા. આ સાથે એજન્સીના રિપોર્ટમાં, હિંડનબર્ગના ઈરાદા પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના વલણ અને અમેરિકન એજન્સીના રિપોર્ટના કારણે, અદાણી ગ્રૂપના શેરને ઘણો બૂસ્ટ મળ્યો હતો. આ પછી 3 ડિસેમ્બરે યોજાયેલી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ત્રણમાં ભાજપની શાનદાર જીતથી પણ, અદાણીની તરફેણમાં વાતાવરણ ઊભું થયું. જેના કારણે ગ્રુપ કંપનીઓના શેરમાં, જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / પવન / માધવી
