મુંબઈ,નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે, બુધવારે જણાવ્યું હતું કે,” અસુરક્ષિત લોન માટેના ધોરણોને, કડક બનાવવું એ બેંકિંગ સિસ્ટમની સરળ કામગીરી જાળવવા માટે લેવામાં આવેલું એક સાવચેતી પગલું છે.”
આરબીઆઈના ગવર્નર, આજે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (એફઆઈસીસીઆઈ) અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ)ના સંયુક્ત વાર્ષિક એફઆઈબીએસીના ઈવેન્ટને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે,” આરબીઆઈએ ઘર અને વાહનની ખરીદી માટે લોન અને નાના ઉદ્યોગપતિઓને લોન જેવી કેટલીક શ્રેણીઓને નવા નિયમોની બહાર રાખી છે. કારણ કે તેમને વૃદ્ધિના મોરચે ફાયદો થઈ રહ્યો છે.”
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે,” અમે સિસ્ટમને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે તાજેતરમાં કેટલાક વિચારશીલ પગલાં જાહેર કર્યા છે. આ પગલાં સાવચેતીના છે.” તેમણે એમ પણ કહ્યું કે,” તેઓ અત્યારે બેંકોમાં કોઈ નવો તણાવ ઉભો થતો જોતા નથી, પરંતુ તેઓ ઇચ્છે છે કે, બેંકો સાવચેત રહે અને તણાવ પરીક્ષણ ચાલુ રાખે.” આ સિવાય ફુગાવામાં નરમાઈના સંકેતો હોવા છતાં, શક્તિકાંત દાસે કહ્યું કે,” રિઝર્વ બેંકનું સમગ્ર ધ્યાન મોંઘવારી પર છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી
