સુરત, 15 ઓકટોબર – સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો દબદબાભેર પર આરંભ થયો છે. નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં માં અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માતાજીની આ મંદિરે આરાધના કરતા વડીલોની સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે. આજે નવરાત્રીના પહેલા જ દિવસે માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું જેના કારણે દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવી પડી હતી.
શહેરના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલા 400 વર્ષ જૂનામાં અંબાના મંદિર ઉપરાંત અંબિકાની કેતન ખાતે આવેલા માતાજીના મંદિર સહિત અનેક માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે જ હજારોની સંખ્યામાં ભક્તો પહોંચી ગયા હતા. આ ભક્તોમાં યંગસ્ટર્સ ની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આજથી શરૂ થઈ નવરાત્રીને કારણે અનેક ભક્તો વિવિધ પ્રકારના ઉપવાસ કરશે. કેટલાક ભક્તો એક સમય ભોજન કરીને તો કેટલાક ભક્તો માત્ર ફળ કે પાણી ઉપર નવરાત્રીના ઉપવાસ કરશે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જેઓ આ નવ દિવસ માટે સોશિયલ મીડિયાથી દૂર રહીને ડિજિટલ ઉપવાસ કરશે. માતાજીને રિઝવવા માટે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે આરાધના કરી રહ્યા છે. માતાજીના મંદિરમાં ભક્તોની વધુ ભીડ હોવાથી દર્શનની સુવિધા માટે મંદિર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
