સોમનાથ 12 ડિસેમ્બર (હિ.સ.) પ્રભાસ પાટણ ખાતે નાયબ નિયામક અને પ્રોજેક્ટ ઓફિસર, વસતિ શિક્ષણ એકમ GCERTના ડૉ. અવનીબા મોરીના અધ્યક્ષસ્થાને અને સોમનાથ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય વી.એમ.પંપાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે રાજ્ય કક્ષાનો રોલ પ્લે અને લોકનૃત્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્પર્ધા અંતર્ગત ગુજરાતના પાંચ ઝોનમાંથી પસંદ થયેલી લોકનૃત્ય અને રોલપ્લેની પાંચ પાંચ કૃતિઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી હતી.
ડાયેટ પ્રાચાર્ય દ્વારા સ્મૃતિભેટ અને શાલ દ્વારા ડૉ.અવનિબા અને યોગિતા દેશમુખનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના કન્વીનર બી. કે.મેસિયા દ્વારા સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા વર્ણવવામાં આવી હતી.
ડૉ.અવનિબા મેડમે જણાવ્યું હતું કે, આપણા રાષ્ટ્રની વિરાસત અને સંસ્કૃતિનું ગૌરવ જાળવવા સૌએ સાથે મળી સહિયારા પ્રયત્નો કરવા જોઈએ. અભ્યાસની સાથે ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની તક મળે એ ઝડપી લેવી જોઈએ અને કઠીન પરિશ્રમથી સફળતા સુધીનો રોડમેપ તૈયાર કરવો જોઈએ. આમ જણાવી તેમણે ઉપસ્થિત બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
લોકનૃત્ય અને રોલપ્લેની સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોકનૃત્યમાં પી.એમ. મોડલ સ્કૂલ માંડવા તા.કપરાડા જી.વલસાડ અને રોલ પ્લેમા સરકારી માધ્યમિક શાળા પણિયાદરા તા.વાગરા જી. ભરૂચે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ બન્ને કૃતિઓ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
સોમનાથની પાવન ભૂમિ પર યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને ગિફ્ટ પ્રમાણપત્ર તેમજ એક થી ત્રણ નંબર મેળવનાર કૃતિઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
