

કીમ નદીનો પુલ બંધ છે જ્યારે ડાયવર્ઝન લો લેવાલમાં અને જર્જરીત છે.
તંત્રએ બે વર્ષ પહેલા ટેન્ડર પ્રક્રિયા કરી હોવાના ઠાલા વચનો આપ્યા પરંતુ કામગીરી શૂન્ય છે.
પુલની કામગીરી શરૂ કરવામાં નહિ આવે તો લોકસભામાં બતાવી દઈશું કિરણસિંહ કોસાડા.
વિકાસની વાતો કરતી ગુજરાત સરકાર ક્યાં કારણોસર કીમ નદીના પુલનું કામ નથી કરતી.કેતન ભટ્ટ.
ખેડૂત હિત ધ્યાનમાં રાખીને પ્રાથમિકતાના ધોરણે તંત્ર આ પુલનું કામ સત્વરે ચાલુ કરાવે.મહેન્દ્રસિંહ કરમરીયા .
ભરૂચ 19 જાન્યુઆરી ( હિ. સ ). વાલીયા તાલુકાના ડહેલી કીમ નદી ઉપર બાંધવામાં આવેલ 72 વર્ષ જુનો પુલ જર્જરીત હાલતમાં છે જેની સ્થાનિક લોકોએ અવારનવાર રજૂઆતો કરેલ છે ત્યારે ગુજરાત સરકારે બે વર્ષ પહેલા આ પુલનું નવેસરથી બાંધકામ કરવા બાબત ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરાય હતી. પુલ બનાવતા સમયે વાહન વ્યવહારમાં કોઈ અસર ના પડે તે માટે 1.25 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી દીધું છે જેમાં પણ મોટી ખાયકી થઈ છે . બે વર્ષ પછી પણ આ પુલના નિર્માણ બાબત એક રતિભાર કામગીરી હાથ ધરવામાં ન આવતાં ખાસ કરીને શીડયુલ પાંચમા સમાવિષ્ટ આ પુર્વ પટ્ટી બેલ્ટના વાલિયા,
માંગરોલ,ઉમરપાડા,નેત્રંગ અને સાગબારા સહિતના તાલુકાના અનેક આદિજાતિ સમાજના ખેડૂતો, જનતા અને વેપારી વ્યાપાર ધંધા માટે આ પુલનો ઉપયોગ થાય છે. છેલ્લા ઘણા સમયથી આ પુલ કલેક્ટરના જાહેરનામાથી બંધ કરાયો હોવાના કારણે અને લો લેવલનું ડાયવર્ઝન બનાવી દેતા ચોમાસામાં કીમનદી ગાંડીતુર બની બે કાંઠે વહેતી હોય ત્યારે ડાયવર્ઝન ઉપરથી પસાર થવું જોખમી અને મુશ્કેલ બની જાય છે. વાલિયા વિસ્તારના હજારોની સંખ્યામાં ભણતા બાળકો અને વિસ્તારના લોકોને યાતનાનો કોઈ પાર નહિ તેવી પરિસ્થિતિ સર્જાય છે. ખેડૂતો ,લોકો અને વાહન ચાલકોને ડહેલી કીમ નદીના પુલની ખોરંભે પડેલ કામગીરી અને ડાયવર્ઝન ખૂબ નીચું બનાવી દેતા ભારી વાહનોને ચડવું મુશ્કેલ બને છે ત્યારે ગુજરાત સરકારે આ પ્રશ્નનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે .
આમ છતાં જો તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાય તો આ વિસ્તાર માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો એક માત્ર વિકલ્પ છે.ખેડૂત સમાજના કેતન ભટ્ટે ખેડૂતોને પડતી મુશ્કેલી બાબત ખેડૂત સમાજે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત અને આંદોલનનો રસ્તો ખુલ્લો રાખ્યો છે તેવી ચીમકી ઉચ્ચારી છે.
બોક્સ :-
વાલિયા,ઉમરપાડા,નેત્રંગ,સાગબારા વિસ્તારના અનેક આદિજાતિ સમાજના ગામડાંઓની જનતા ભણતર અને નોકરી ધંધાર્થે વાડી ડહેલી થઈ વાલિયાથી અંકલેશ્વર અને ભરુચ જવા કીમ નદીના પુલનો ઉપયોગ કરે છે.ચોમાસાની સીઝન દરમિયાન કામચલાઉ ધોરણે બનાવેલ ડાયવર્ઝન પૂર આવે તો પાણીમાં ડુબી જાય ત્યારે બાળકોને સ્કૂલ કે કોલેજ જવા અજાણતામાં જીવના જોખમે આ ડાયવર્ઝન પસાર કરવું પડે છે. સરકાર એકબાજુ વિકાસની વાતો કરતી હોય અને આદિજાતિ સમાજ ના હિત ઈચ્છતા હોય તો ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થવા છતાં કયા કારણોસર આ પુલનું કામ અટક્યું છે એ બાબતે યુદ્ધના ધોરણે સમીક્ષા કરી પુલનું કામ ચાલુ કરાવે નહિતર જતહિતમાં આંદોલન કરવામાં આવશે.
કેતન ભટ્ટ ખેડૂત સમાજ
બોક્સ :-
દ.ગુજરાતના પુર્વપટ્ટી ટ્રાયબલ બેલ્ટ વિસ્તારમાં કપાસ જીન અને કપાસની ખરીદી કરતું સી.સી.આઇ. કેન્દ્ર એકમાત્ર વાલીયામાં છે આ વિસ્તારની કામધેનું સમાન ગણેશ સુગર પણ વાલીયા નજીક વટારીયા છે . વાલિયા,નેત્રંગ,ઉમરપાડા,સાગબારા અને માંગરોલ તાલુકાના ખેડૂતો પોતાની ખેતી જણસના વેચાણ માટે વાલિયા સેન્ટર જવા ડહેલી કીમ નદીના પુલનો ઉપયોગ કરે છે. આ પુલ હાલ બંધ હોય ખેડૂતોને પારવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ બાબતે ખેડૂત હિત ધ્યાનમાં રાખીને પ્રાથમિકતાના ધોરણે તંત્ર આ પુલનું કામ સત્વરે ચાલુ કરાવે તેવી કિસાન સંઘની માંગ છે
મહેન્દ્રસિંહ કરમરીયા ખેડૂત સમાજ આગેવાન.દેસાડ.
બોક્સ :-
ડહેલી કીમ નદી ઉપર છેલ્લા દોઢવર્ષથી 1.25 કરોડના ખર્ચે ડાયવર્ઝન બન્યું છે તે પણ અત્યંત બિસ્માર હાલતમાં છે તેના લીધે વારંવાર અક્સ્માતની ઘટના બને છે તેના લીધા વિસ્તારના નવલોહિયા યુવાનોને જાનથી હાથધોવાની નોબત આવી છે.વિસ્તારના અધિકારીઓ અને સત્તાપક્ષના આગેવાનો વારંવાર કોણીએ ગોળ ચોપડી જનતાને ઠાલા આશ્ર્વાસનો આપે છે કે પુલ બાંધકામ શરૂ થઈ જશે પરંતુ સ્થળ ઉપર કામગીરી શુન્ય છે આ બાબત તંત્ર જનતાની લાગણી સાથે રમવાનું બંધ કરી તંત્ર નક્કર કામગીરી કરાવે નહિતર લોકસભાની ચૂંટણી નજીક હોય જનતા એનો જવાબ આપશે મતની તાકાત બતાવી દેશે.
કિરણસિંહ કોસાડા સામાજિક આગેવાન ડહેલી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ
/બિનોદ
