નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી : ભારત રત્ન નાનાજી દેશમુખને, આજે (મંગળવારે) તેમની પુણ્યતિથિ પર, કૃતજ્ઞ રાષ્ટ્ર યાદ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ, આજે સવારે નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સંદર્ભે ભાજપે તેના એક્સ હેન્ડલ પર નાનાજીના ગુણોને યાદ કર્યા.
બીજેપીએ લખ્યું, ‘પ્રબુદ્ધ રાષ્ટ્ર સેવક અને મહાન સમાજ સુધારક ભારત રત્ન નાનાજી દેશમુખને, તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ.’ ઉલ્લેખનીય છે કે, નાનાજીને ગ્રામીણ ભારતના શિલ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ભગવાન રામના પવિત્ર સ્થાન ચિત્રકૂટમાં, ચિત્રકૂટ ગ્રામોદય યુનિવર્સિટીની સ્થાપના કરી.
ભારતીય જનસંઘના અગ્રણી નેતા નાનાજી દેશમુખ, રાજ્યસભાના સભ્ય પણ હતા. નાનાજી દેશમુખનું પૂરું નામ ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ હતું. તેમણે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ સ્વાવલંબન ક્ષેત્રે અવિસ્મરણીય કાર્ય કર્યું. તેમને 2019 માં સરકાર દ્વારા મરણોત્તર ભારત રત્ન, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. નાનાજીનો જન્મ 11 ઓક્ટોબર 1916ના રોજ કડોલીમાં મરાઠી ભાષી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ઘણી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી. તેમણે 1950માં ગોરખપુરમાં ભારતના પ્રથમ સરસ્વતી શિશુ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે 27 ફેબ્રુઆરી 2010ના રોજ, 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
