નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી : અદાણી ગ્રુપના અગ્રણી અબજોપતિ ઉદ્યોગપતિ, ગૌતમ અદાણીની સંપત્તિ ફરી એકવાર 100 અબજ ડોલર વટાવી ગઈ છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ, અદાણીને આ ક્લબમાં પાછા ફરતા એક વર્ષનો સમય લાગ્યો હતો. ગ્રૂપના શેરમાં થયેલા ઘટાડામાંથી બહાર આવીને તેમણે ફરી એકવાર આ સ્થાન હાંસલ કર્યું છે.
ગુરુવારે જાહેર કરાયેલ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણીનું નેટવર્થ 2.73 અબજ ડોલર વધીને 101 અબજ ડોલર (રૂ. 8.38 લાખ કરોડ) પર પહોંચી ગયુ છે. આ સાથે તે આ યાદીમાં 12મા સ્થાને પહોંચી ગયા છે. અદાણી ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી આ યાદીના ટોપ-15માં 11મા નંબર પર છે.
યાદી અનુસાર, ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થ 1.01 અબજ ડોલર વધીને 108 અબજ ડોલર (રૂ. 8.96 લાખ કરોડ) થઈ ગઈ છે. આ યાદીમાં એલન મસ્ક 205 અબજ ડોલર (રૂ. 17.01 લાખ કરોડ)ની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મસ્ક પછી, જેફ બેઝોસ 196 અબજ ડોલર (રૂ. 16.01 લાખ કરોડ)ની નેટવર્થ સાથે બીજા સ્થાને છે અને બર્નાર્ડ આર્નોલ્ટ 186 અબજ ડોલર (રૂ. 15.43 લાખ કરોડ)ની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.
