નવી દિલ્હી, 30 જાન્યુઆરી : એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) ની જરૂરી મંજૂરી વિના ઉડાન ભરવાનો આરોપ લગાવનાર ઈન્ડિગો પાઈલટને ‘રોસ્ટર’માંથી દૂર કરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ એટીસી ક્લિયરન્સ વિના દિલ્હીથી બાકુ માટે ઈન્ડિગોની ફ્લાઈટ ટેકઓફ કરવાની ઘટનાની તપાસ શરૂ કરી છે.
ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે,’ એવિએશન રેગ્યુલેટર એટીસીની મંજૂરી વિના ઈન્ડિગોના આ વિમાનના ટેકઓફની ઘટનાની તપાસ કરી રહ્યું છે. આ ફ્લાઇટ દિલ્હી અને અઝરબૈજાનની રાજધાની બાકુ વચ્ચે ચલાવવામાં આવી હતી. આ સાથે આ ફ્લાઈટનું સંચાલન કરતા પાઈલટને તપાસ પેન્ડિંગ રોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે.’
બીજી તરફ, ઈન્ડિગોના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે,’ 28 જાન્યુઆરી, 2024ના રોજ દિલ્હી અને બાકુ વચ્ચે ઓપરેટ થયેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6ઈ 1803 સંબંધિત ઘટનાની તપાસ ચાલી રહી છે.’ આ બાબતે જરૂરીયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ઘટના અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી.
