

ગાંધીનગર, 16 જાન્યુઆરી (હિ.સ.): અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર દેશભરમાં મંદિરોમા ”સ્વચ્છતા અભિયાન” ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગાંધીનગર મેયર હિતેશભાઈ મકવાણા એ ગાંધીનગર, સેકટર- 22 સ્થિત પંચદેવ મંદિર પરિસરમાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના આ આહવાનને ઝીલી લઈને ગુજરાતમાં તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪ થી ૨૨ જાન્યુઆરી સુધી સફાઈ અભિયાનનું રાજ્યવ્યાપી જનઅભિયાન શરૂ છે. જે અંતર્ગત, મકરસંક્રાંતિના દિવસે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કાર્યનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કર્યો હતો. મુખ્યમંત્રી એ ધાર્મિક સ્થાનોની સ્વચ્છતાના આ અભિયાનમાં જરૂર જોડાવ તેવો ભાવભર્યો અનુરોધ કર્યો હતો.
આ અવસરે મેયર હિતેશ મકવાણા એ જણાવ્યું હતું કે, આવો, સૌ સાથે મળીને વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરીને આ અભિયાનને આગળ ધપાવીએ.
આ અભિયાનમાં ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેન જશવંતભાઈ પટેલ, નગર સેવકો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ
