બર્લિન, નવી દિલ્હી, 9 જાન્યુઆરી (હિ. સ.) ખેલાડી અને કોચ બંને તરીકે વર્લ્ડ કપ જીતનાર, જર્મનીના દિગ્ગજ ફૂટબોલર ફ્રાન્ઝ બેકેનબાઉરનું નિધન થયું છે. તેઓ 78 વર્ષના હતા.
બેકનબાઉરના મૃત્યુની ઘોષણા, સૌપ્રથમ તેમના પરિવાર તરફથી જર્મન સમાચાર એજન્સી ડીપીએને આપેલા નિવેદન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ જર્મન ફૂટબોલ ફેડરેશન દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.
પરિવારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ખૂબ જ દુ:ખ સાથે જણાવવુ પડે છે કે, મારા પતિ, ફ્રાન્ઝ બેકનબાઉરનું રવિવારે નિધન થયું છે. અમે કહીએ છીએ કે, અમને શાંતિથી શોક કરવાની મંજૂરી આપવામાં આવે અને કોઈપણ પ્રશ્નો ટાળવામાં આવે.
નિવેદનમાં મૃત્યુના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બેયર્ન મ્યુનિકના પૂર્વ મહાન ખેલાડી, જેને પ્રેમથી કૈસર – અથવા સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે – તાજેતરના વર્ષોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા.
બેકનબાઉર જર્મન ફૂટબોલના કેન્દ્રીય વ્યક્તિઓમાંના એક હતા. એક ખેલાડી તરીકે, તેમણે ફૂટબોલમાં ડિફેન્ડરની ભૂમિકા ભજવી અને 1966ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ 1974માં પશ્ચિમ જર્મનીને વર્લ્ડ કપ ટાઇટલ અપાવ્યું. 1990માં જ્યારે પશ્ચિમ જર્મનીએ ફરીથી ટુર્નામેન્ટ જીતી ત્યારે તેઑ કોચ હતા.
2018 અને 2022 વર્લ્ડ કપના મતોમાં કથિત ભ્રષ્ટાચાર અંગે ફરિયાદી માઈકલ ગાર્સિયાની તપાસમાં સહકાર આપવામાં નિષ્ફળ રહેવા બદલ 2014માં ફિફા ની એથિક્સ કમિટી દ્વારા બેકનબાઉરને તમામ ફૂટબોલ સંબંધિત પ્રવૃત્તિઓમાંથી થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બ્રાઝિલમાં 2014 વર્લ્ડ કપ દરમિયાન સહકાર આપવા સંમત થતાં સસ્પેન્શન હટાવવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
