દોહા, નવી દિલ્હી, 29 જાન્યુઆરી (હિ.સ.) ઓસ્ટ્રેલિયા અને તાજિકિસ્તાને રવિવારે અહીં કતાર એશિયન કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. નોકઆઉટ તબક્કામાં ઓસ્ટ્રેલિયાએ ઇન્ડોનેશિયાને 4-0થી હરાવ્યું અને તાજિકિસ્તાને પેનલ્ટી શૂટઆઉટમાં યુએઈ ને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.
ઓસ્ટ્રેલિયાએ મેચમાં ઝડપી શરૂઆત કરી હતી અને 12મી મિનિટે જેક્સન ઈરવિનના શોટને ડિફેન્ડર એલ્કન બગોટે ગોલ પોસ્ટમાં ફંટાવીને તેની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી.
હાફ ટાઈમના ઈન્ટરવલ પહેલા માર્ટિન બોયલે હેડર વડે, ઓસ્ટ્રેલિયાની લીડ બમણી કરી હતી.
બીજા હાફમાં, ઇન્ડોનેશિયા આક્રમક માનસિકતા સાથે બહાર આવ્યું, પરંતુ 89મી મિનિટે તેમની આશા પર પાણી ફરી વળ્યું જ્યારે ગ્રેગ ગુડવિને તેની ટીમને 3-0થી આગળ કરી દીધી. આ પછી, સાઉટરે બે મિનિટ પછી ઈન્જરી ટાઈમમાં ક્લોઝ-રેન્જ હેડર પર ગોલ કર્યો અને તેની ટીમનો 4-0થી વિજય મેળવ્યો.
અન્ય એક મેચમાં નવોદિત તાજિકિસ્તાને પેનલ્ટી શૂટઆઉટ બાદ, સંયુક્ત આરબ અમીરાતને આશ્ચર્યચકિત કરીને ઈતિહાસ રચ્યો હતો.
મેચની 30મી મિનિટે વાહદત હનોનોવે, ઝોઇર દજુરાબોએવના ક્રોસને ગોલમાં ફેરવીને તજાકિસ્તાને લીડ મેળવી હતી.
યુએઈ ના ડિફેન્ડર અલ હમ્માદીએ 95મી મિનિટમાં ફ્રી-કિકથી બરાબરી કરી, રમતને વધારાની 30 મિનિટ અને પેનલ્ટી શૂટઆઉટમાં મોકલી. તાજિકિસ્તાને શૂટઆઉટમાં 5-3 થી જીત મેળવીને, આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
