મુંબઈ, નવી દિલ્હી, 09 ડિસેમ્બર (હિ.સ.) નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ની ટીમે શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રમાં 44 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 15 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, એનઆઈએ ની ટીમે તેમની પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ અને કેટલીક અન્ય વસ્તુઓ રિકવર કરી છે. જો કે એનઆઈએ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએ ને મળેલી ગોપનીય માહિતી ના આધારે, આજે વહેલી સવારે એનઆઈએ અને એટીએસ ની ટીમ દ્વારા સંયુક્ત રીતે, પુણેમાં 1, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં 1 અને ભાયંદરમાં 1, મહારાષ્ટ્રમાં મુંબઈમાં 1 સહિત 44 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પૂણેમાં શંકાસ્પદ શોએબ અલી શેખ અને અનવર અલી શેખના ઘરે દરોડા દરમિયાન લેપટોપ, મોબાઈલ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અહીંથી પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. એ જ રીતે એનઆઈએ ની ટીમે થાણેના ભિવંડી સ્થિત પડઘા બોરીવલીમાં પણ દરોડા પાડીને દસ લોકોની અટકાયત કરી હતી. આ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પછી જરૂર પડશે, તો ધરપકડ કરવામાં આવશે. એનઆઈએ ની ટીમે આજે મુંબઈના અંધેરી કાર્ગો વિસ્તારમાં પણ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે.
માહિતી અનુસાર, પૂણે અને ભિવંડીમાં એનઆઈએ ની ટીમોએ અગાઉ આઈએસઆઈએસ મોડ્યુલ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ત્યારે આ તમામને ભારતમાં આતંકવાદી પ્રવૃતિ ફેલાવવા માટે, વિદેશમાંથી સૂચનાઓ મળી હોવાનું બહાર આવ્યું હતું. આ તમામની સંપૂર્ણ તપાસ બાદ, એનઆઈએ ને ખબર પડી કે ધરપકડ કરાયેલ તમામને બોમ્બ વિસ્ફોટ અને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને તેઓ વિદેશથી પૈસા મેળવતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આજે એનઆઈએ ની ટીમને સંદિગ્ધો પાસેથી બોમ્બ બનાવવા સંબંધિત કાગળો પણ મળ્યા છે. હાલ આ મામલે સઘન તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર/રાજબહાદુર/દધીબલ / ડો. હિતેશ
