પણજી, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) ચેક રિપબ્લિકની ફ્રેન્ચ ભાષાની ફિલ્મ ‘એન્ડલેસ સમર સિન્ડ્રોમ’નું, આજે (મંગળવાર) ગોવામાં ચાલી રહેલા 54 મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં, એશિયન પ્રીમિયર થશે. આ માહિતી ફિલ્મના આસિસ્ટન્ટ પ્રોડ્યુસર, લિન્ડસે ટેલર સ્ટીવર્ટે ગઈ કાલે રાત્રે મીડિયાને આપી હતી.
તેણે કહ્યું, આ ફિલ્મ ફ્રેન્ચ સિનેમાને એક પ્રકારની શ્રદ્ધાંજલિ છે. દિગ્દર્શક કાવેહ દાનેશમંડ નો સંદેશ આપતાં તેમણે કહ્યું કે, દિગ્દર્શક ઈચ્છે છે કે લેખક કે, દિગ્દર્શક આ ફિલ્મ પર પોતાની ટિપ્પણી ન આપે, પરંતુ દર્શકોને મહેસુસ થવી જોઈએ અને તેનો અનુભવ તેઓએ કરવો જોઈએ.
લિન્ડસે ટેલર સ્ટીવર્ટે જણાવ્યું હતું કે, આ ફિલ્મ એક વકીલ અને બે બાળકોની માતાની વાર્તા કહે છે, જેમના પતિની બેવફાઈ વિશે અપશુકનિયાળ ફોન કોલ મળ્યા પછી ફ્રાન્સમાં સુંદર પારિવારિક જીવન અવ્યવસ્થિત થઈ ગયું છે. આ એક એવી ફિલ્મ છે, જે કૌટુંબિક સંબંધો પર સવાલ ઉઠાવે છે અને કૌટુંબિક નાટક શૈલીમાં જટિલતા અને સૂક્ષ્મતા દર્શાવે છે.
અભિનેત્રી ફ્રેડરિકા મિલાનોએ કહ્યું, ‘આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા એક મહિલા દ્વારા ભજવવામાં આવી છે અને આ ફિલ્મમાં પહેલાની જેમ મહિલાઓને દર્શાવવામાં આવી નથી.’
આ ફિલ્મના મુખ્ય પાત્ર આદિયા વિશે વાત કરતાં તેણે કહ્યું કે, આદિયા એક મજબૂત અને સ્વતંત્ર મહિલા છે જે સમગ્ર પરિવારને પોતાની રીતે સંભાળે છે. તેણીએ આશા વ્યક્ત કરી હતી કે, ફિલ્મ ‘એન્ડલેસ સમર સિન્ડ્રોમ’ અન્ય લોકોને વધુ મહિલા કેન્દ્રિત ફિલ્મો, બનાવવા માટે પ્રેરણા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
