– કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ડાબી પાંખમાં ટાંકા લેવામાં આવ્યા, વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં રખાયું
વડોદરા/અમદાવાદ,09 ડિસેમ્બર (હિ.સ.) શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવી રહેલા બાજ પક્ષીની પાંખો તારમાં આવી જતાં તે ઘાયલ થઇ ગયું હતું અને સમતા એપાર્ટમેન્ટની છત ઉપર તડફડી રહ્યું હતું. તેને કમાટી બાગમાં આવેલા વન વિભાગના એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડી કરુણા એમ્બ્યુલન્સના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર કરવામાં આવી છે. તેની પાંખમાં ઇજા થઇ હોવાથી ટાંકા લેવા પડ્યા હતા.
પેરેગ્રિન ફાલ્કન નામક અને ગુજરાતીમાં બાજ તરીકે ઓળખાતું આ શિકારી પક્ષી સામાન્ય રીતે જંગલો કે પહાડી વિસ્તારમાં જ જોવા મળે છે. આ બાજ 320 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકતું હોવાથી તેને સટિક શિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની જોવાની શક્તિ પણ ખૂબ હોય છે. એટલે ખાસ્સી ઉંચાઇએથી પણ જમીન ઉપર રહેલા શિકારને જોઇ ઝડપી લે છે. ઉંદર, નાના પક્ષીઓનો સામાન્ય રીતે આ પક્ષી શિકાર કરતું હોય છે.
વડોદરા શહેરમાં જવલ્લે જ જોવા મળતો બાજ તા. ૫ના રોજ એલઆઇસી પાછળ આવેલા સમતા એપાર્ટમેન્ટમાં ઘાયલ થઇ પડ્યો હોવાની માહિતી મળતા તેને કમાટી બાગ આવેલા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસસ કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે, શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવી રહેલા બાજની પાંખો તાર કે દોરામાં ફસાઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે આ બાજ વડોદરામાં જોવા મળતો નથી.
એ દરમિયાન, કરુણા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા વેટનરી તબીબ ડો. ચિરાગ પરમાર અને રતનસિંહ રાઠોડ ત્યાં પહોંચી ગયા હતા. બાજની સ્થિતિ જોઇ તુરંત જ ડાબી પાંખમાં લાગેલા ઘાને સાફ કર્યો હતો. બાદમાં છ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. એક પખવાડિયા જેટલા સમયગાળામાં આ બાજ ફરી સ્વસ્થ થઇ જશે. ત્યાં સુધી વન વિભાગનું મહેમાન બની આરામ કરશે. તેના માટે અલગ પીંજરૂ રાખવામાં આવ્યું છે. સાજું થયા બાદ તેને છોડી મૂકવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/
