નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે પતંજલિ આયુર્વેદ લિમિટેડને, નેપાળના ભૂકંપ પીડિતો માટે 20 મેટ્રિક ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપી છે. નિકાસ પ્રતિબંધમાંથી આ છૂટ પતંજલિને, એક વખત માટે આપવામાં આવી છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, “પતંજલિ આયુર્વેદ લિમિટેડને, ભૂકંપ પીડિતો માટે નેપાળમાં દાન તરીકે 20 મેટ્રિક ટન (મેટ્રિક-ટન) નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરવા પરના પ્રતિબંધમાંથી એક વખતની છૂટ આપવામાં આવી છે.” વાસ્તવમાં, નેપાળ પતંજલિ માટે મુખ્ય બજાર છે.
આ પહેલા ડીજીએફટી એ, ઓક્ટોબરમાં નેપાળ, કેમરૂન અને મલેશિયા સહિત સાત દેશોમાં 10,34,800 ટન નોન-બાસમતી, સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપતા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સ્થાનિક પુરવઠો વધારવા માટે, સરકારે 20 જુલાઈના રોજ બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ કેટલાક દેશોમાં નિકાસને, સરકારે તેમની વિનંતી પર મંજૂરી આપી છે.
નોંધનીય છે કે, 06 નવેમ્બર 2023ના રોજ મધ્યરાત્રિ પહેલા નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 153 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 250થી વધુ લોકો ઘાયલ થયા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ / માધવી
