સુરત,30 ઓકટોબર : નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા ગીતાનગરમાં રહેતો 37 વર્ષનો સંજય રામપુક્ષ સહાનીને મોડી રાતે ઘરમાં હિચકી આવી હતી. બાદમાં અચાનક તેની તબિયત બગાડતા બેભાન થઈ જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સંજય ઉત્તરપ્રદેશના ગોરખપુરનો વતની હતો. તે કલર કામ કરતો હતો.
બીજા બનાવવામાં અમરોલી ખાડી ફળિયા હળપતિવાસમાં રહેતો 23વર્ષનો સાહિલ કુમાર રાજેશ રાઠોડની મોડી રાતે ઘરમાં અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ત્રીજા બનાવમાં વરાછા રોડ ઉમરવાડા જૂની બોમ્બે માર્કેટ પાસે મેજિસ્ટિક ટાવરમાં રહેતો 33 વર્ષનો જયકુમાર દિપક અગ્રવાલને બપોરે ઘરમાં છાતીમાં દુઃખાવો થયો હતો. બાદમાં તબિયત વધુ બગાડતા બેભાન થઈ જતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. જયકુમાર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.
