નવી દિલ્હી, 19 ઓક્ટોબર મિશન ચંદ્રયાન, આદિત્ય એલ-1 પછી હવે મિશન ગગનયાન માટે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈશરો) એ ગુરુવારે માહિતી આપી હતી કે,” ગગનયાન માનવ અવકાશ ઉડાન મિશન માટે માનવરહિત ફ્લાઇટ ટેસ્ટિંગ ટીવી-ડી-1 શનિવારે સવારે 7.30 વાગ્યે શરૂ થશે. લોકો ઈસરોની વેબસાઈટ પર આ ટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે.”
આ પહેલા 17 ઓક્ટોબરે ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતુ,” આ મિશન સાથે, રોકેટમાં કોઈ ખામી સર્જાવાની સ્થિતિમાં અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવવાની સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે. ટીવી-ડી-1 ટેસ્ટ ફ્લાઇટ ગગનયાન પ્રોગ્રામ હેઠળ વધુ ત્રણ ટેસ્ટ વ્હીકલ મિશન દ્વારા અનુસરવામાં આવશે.”
નોંધનીય છે કે, ગગનયાન મિશન હેઠળ, પૃથ્વીની આસપાસ 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં માનવ ક્રૂને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવાની, તેને ભારતીય સમુદ્રની સપાટી પર ઉતારવાની, પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફરવાની અવકાશયાનની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની અને માનવ અવકાશ ઉડાન ક્ષમતા દર્શાવવાની કલ્પના કરવામાં આવી છે.
તેનો હેતુ શું છે-
ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ (ટીવી-ડી-1)નો હેતુ ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવાનો છે, જે આવતા વર્ષના અંતમાં માનવસહિત અવકાશ ઉડાન દરમિયાન ભારતીય અવકાશયાત્રીઓને લઈ જશે. ટીવી-ડી-1 પરીક્ષણ ફ્લાઇટમાં માનવરહિત ક્રૂ મોડ્યુલને બાહ્ય અવકાશમાં લોંચ કરવા, તેને પૃથ્વી પર પરત કરવા અને બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરવાનો સમાવેશ થાય છે.
